વલસાડમાં સગીરે પ્રેમિકાના ચાર મહિનાના બાળકની હત્યા કરીઃ આરોપીએ કોર્ટમાં શું કહ્યું જાણો?
વલસાડ: 15 વર્ષના સગીરે પ્રેમિકાને મેળવવા માટે તેના ચાર મહિનાના બાળકની હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના વલસાડના ઉમરગામથી સામે આવી છે. ત્યાર બાદ આ અંગે ફરિયાદ નોંધાતા બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને આરોપી સગીરની ધરપકડ કરી લેવામાં આવી છે. મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)ની વતની મહિલા તેના ચાર મહિનાના પુત્ર સાથે ઉમરગામમાં સગીર બોયફ્રેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા બજારમાં ખરીદી કરવા માટે ગઈ ત્યારે તે બાળકને તેના સગીર બોયફ્રેન્ડ પાસે રાખીને ગઈ હતી. જો કે આરોપીએ મહિલાને કહ્યું કે બાળક પલંગ પરથી પડી ગયું હતું અને તેના માથામાં ઈજા થઈ હતી. બાળકને નજીકની હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યું હતું અને તેને ઉમરગામ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બીજા જ દિવસે 14 જાન્યુઆરીના રોજ આરોપી ત્યાંથી નાસી ગયો હતો અને આથી મહિલાને શંકા ઊપજી હતી.
મૃતકના માથાનાં ભાગે ગંભીર ઈજા
ઘટનાના બીજા દિવસે બોયફ્રેન્ડ ઘરેથી ભાગી ગયો હતો અને આથી મહિલાને શંકા ઉદભવી હતી. ત્યાર બાદ મહિલાએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં મૃત બાળકના માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોય તેના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : વલસાડમાં દંપતીમાં થયો ડખો, પત્નીએ સમોસામાં ઝેર ભેળવ્યું ને પછી…
આરોપીની પ્રયાગરાજથી ધરપકડ
પોલીસે 15 વર્ષના આરોપીની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને વલસાડ લાવવામાં આવ્યો હતો. ત્યાં તેમણે બાળકની હત્યા કરવાની કબૂલાત કરી હતી કારણ કે તેનો પરિવાર મહિલા સાથેના તેના સંબંધો સ્વીકારવા તૈયાર ન હતો. સગીર પર ભારતીય દંડ સંહિતા હેઠળ હત્યા, પુરાવા છુપાવવા અને અન્ય ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેને કિશોર અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.