વલસાડમાં CNG ટેન્કમાં ચોરખાનું બનાવી દારૂની ખેપ! પોલીસે બુટલેગરનો ‘છૂપો પ્લાન’ પકડ્યો

વલસાડ: ગુજરાતમાં દારૂની ખેપ માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જોકે પોલીસની સતર્કતાના કારણે દારૂ બુટલેગરો સુધી પહોંચે તે પહેલા જ ઝડપાઈ જતો હોય છે. વલસાડ રૂરલ પોલીસે અતુલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એક શંકાસ્પદ ઈક્કો કારમાંથી CNG ટેન્કમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરવા બદલ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ, વલસાડ રૂરલ પોલીસ ટીમ અતુલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન GJ-07-DD-4789 નંબરની સફેદ કલરની મારુતિ ઈક્કો કાર શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી હતી. પોલીસે કાર ચાલકનું નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ અંકિત અવધેશ યાદવ (ઉં.વ. ૩૨, રહે. ખરોડગામ, અંકલેશ્વર) જણાવ્યું હતું. પંચોની હાજરીમાં કારની તલાશી લેવાતા, પાછળની બાજુએ આવેલી CNG ટેન્કમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જપ્ત કરાયેલો મુદ્દામાલ
પોલીસે ‘આઇકોનિક વાઈટ ફીનેસટ ઇન્ટરનેશનલ ગ્રેન વિહસ્કી’ બ્રાન્ડની ૧૮૦ મિલીની ૪૮ બોટલો જપ્ત કરી છે. આ જથ્થાની કિંમત રૂ. ૧૫,૬૦૦/- આંકવામાં આવી છે. દારૂનો જથ્થો માત્ર દમણ અને દીવમાં વેચાણ માટે બનાવવામાં આવ્યો હોવાનું લેબલ પર દર્શાવેલું હતું. આરોપી અંકિત યાદવ પાસે દારૂના વહન માટે કોઈ પાસ-પરમિટ ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈક્કો કાર સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો હતો.
આ પણ વાંચો…રાજકોટમાં દારૂ પીને ન આવવા ટકોર કરતાં ખૂની ખેલ! ધોકા અને પાઇપથી હુમલો, કારમાં તોડફોડ