વલસાડમાં ઝાડ પર ‘આરામ’ ફરમાવતો જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

વલસાડઃ અહીંના જિલ્લાના ચનવઈ ગામમાં દીપડો જોવા મળતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આંબાના ઝાડ પર આરામ ફરમાવતા દીપડાને લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો. ગામમાં દીપડો હોવાની વાત વાયુવેગે પ્રસરતાં લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ગામમાં જ્યાં દીપડો જોવા મળ્યો હતો ત્યાં પાંજરું લગાવવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે દીપડાને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.
તંત્રએ લોકોને શું આપી સલાહ
આ અગાઉ વલસાડમાં દીપડો જોવા મળ્યો હતો. જોકે આ વખતે ગામની નજીક જ જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ છે. જિલ્લા તંત્ર દ્વારા લોકોને એકલા સુમસામ જગ્યા પર ન જવાની સલાહ આપવામાં આવી હતી. જંગલ અને ખેતરમાં જતી વખતે સાવધાન રહેવા પણ સલાહ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…
આ પહેલા પણ દીપડો જોવા મળ્યો હતો
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દીપડો ઘડોઈ ગામમાં જોવા મળ્યો હતો. તે સમયે પણ લોકોએ દીપડાને કેમેરામાં કેદ કર્યો હતો. 2023માં વલસાડની અતુલ કોલોનીમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા હતા.
ગુજરાતમાં દીપડાની કેટલી છે સંખ્યા
ગત વર્ષે માર્ચમાં આવેલા આંકડા મુજબ, મધ્ય પ્રદેશ બાદ ગુજરાતમાં દીપડાની સૌથી વધારે સંખ્યા છે. તે સમયે ગુજરાતમાં દીપડાની સંખ્યા 2274 હતી.