વાપીમાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ: ₹ 25 કરોડનો જથ્થો જપ્ત, પેરોલ જમ્પ કરનાર મુખ્ય આરોપી સહિત 5ની ધરપકડ

વલસાડઃ ગુજરાતમાં સમયાંતરે ક્યાંકને ક્યાંક ડ્રગ્સ ઝડપાતું રહે છે, જ્યારે સરકાર પણ એની સામે સક્રિય થઈને કાર્યવાહી કરે છે ત્યારે હવે વાપીમાં બંગલામાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ હતી. એટીએસ અને એસઓજી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલો આરોપી અને તેના પુત્ર સહિત પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
કેવી રીતે ચાલતી હતી ફેક્ટરી
મળતી વિગત પ્રમાણે વલસાડ જિલ્લાના વાપીની બહારના વિસ્તાર ચલામાં ભાડાની જગ્યામાં એક સિન્થેટિક ડ્રગ્સની ફેક્ટરી ગુપ્ત રીતે ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. સર્ચ દરમિયાન અહીંથી કેમિકલ્સ, સાધનો અને તૈયાર નાર્કોટિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. આ રેડમાં તપાસ ટીમને 6 કિલો જેટલો સિન્થેટિક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 25 કરોડ જેટલી છે. બહારથી રો-મટીરીયલ લાવીને આ બંગલામાં ગુપ્ત રીતે ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું.
પોલીસ આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તેની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત આ ડ્રગ્સ બનાવતી કંપની પાછળ કોનું નેટવર્ક કામ કરી રહ્યું હતું અને તેના મુખ્ય સૂત્રધારો કોણ છે, તે દિશામાં તપાસ આગળ વધારી હતી.. આરોપીઓ પાસેથી મળી આવેલા પુરાવા અને તેમની પૂછપરછના આધારે ટૂંક સમયમાં અન્ય ખુલાસા થવાની શક્યતા છે.
ઝડપાયેલા લોકોમાં કથિત મુખ્ય સૂત્રધાર પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો, તેમજ તેનો પુત્ર સામેલ છે. જે ફેક્ટરીની દૈનિક કામગીરીનું સંચાલન કરતો હોવાનું માનવામાં આવે છે. ઉત્પાદન અને સપ્લાય ચેઇનમાં સંડોવાયેલા અન્ય ત્રણ સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીના આ સફળ ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.