વલસાડમાં ડીઆરઆઈએ કરી મોટી કાર્યવાહી, 22 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કર્યું જપ્ત

વલસાડઃ ડીઆરઆઈએ વલસાડમાં મોટી કાર્યવાહી કરી હતી. ફેકટરી પર દરોડો પાડીને 22 કરોડ રૂપિયાની અલ્પ્રાઝોલમ નામની દવા જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર, ફાયનાન્સર અને નિર્માતા સામેલ છે. સૂત્રો મુજબ આ જથ્થો તેલંગાણા મોકલવાનો હતો અને તેને તાડીમાં મિક્સ કરવાની યોજના હતી.
એક વર્ષથી લાયસન્સ વગર ચાલતી હતી ફેક્ટરી
ફેક્ટરીના માલિકો તરીકે ચંદ્રકાંત કેછડા અને અશોક મુળજી પીઠારીયાની ઓળખ થઈ હતી. ડીઆરઆઈએ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી .આ ફેક્ટરી વલસાડના અટગામ વિસ્તારમાં લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી ચાલતી હતી. દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મશીનરી, કેમિકલ્સ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં 9.55 કિલો ફિનિશ્ડ અલ્પ્રાઝોલમ અને 104.15 કિલો સેમી-ફિનિશ્ડ ફોર્મમાં જપ્ત કરવામાં આવ્યો હતો. આ સિવાય 431 કિલો કાચો માલ અને રસાયણોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
અન્ય રાજ્યમાં જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો
ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં તૈયાર થતા પ્રવાહી ડ્રગ્સને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતો હતો. આરોપીઓ આ પ્રવાહી ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી લાવતા હતા, કેવી રીતે બનાવતા હતા અને ક્યાં વેચાણ કરતા હતા તેની વિગતો મેળવવા માટે તેમને 3 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રો મુજબ, આ ડ્રગ્સ તેલંગાણામાં સપ્લાય થવાનું હતું, જ્યાં તેનો ઉપયોગ સંભવત: તાડીમાં ભેળવવા માટે થવાનો હતો. અગાઉ પણ, ડીઆરઆઈએ ઓગસ્ટ મહિનામાં આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતપુરમમાં પણ આવી જ એક અલ્પ્રાઝોલમ ઉત્પાદન યુનિટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે જપ્ત કરાયેલ 119.4 કિલો અલ્પ્રાઝોલમ પણ આ જ હેતુસર તેલંગાણા મોકલવામાં આવવાનું હતું.
ઓપરેશન વ્હાઈટ કૉલ્ડ્રોન અંતર્ગત કાર્યવાહી
ડીઆઈઆરે આ કાર્યવાહી ઓપરેશન વ્હાઈટ કૉલ્ડ્રોન અંતર્ગત કરી હતી. ગુપ્ત માહિતીના આધારે અધિકારીઓ દ્વારા ફેક્ટરી પર નજર રાખવામાં આવી હતી.
આપણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઇ કોર્ટે છ મહિનાના જામીન આપ્યા



