મહારાષ્ટ્રમાંથી ગુજરાતની ચેક પોસ્ટ પર દારૂ ઘૂસાડવા માટે લાંચ માંગનાર 2 હોમગાર્ડ ઝડપાયા

વલસાડઃ ગુજરાતમાં લાંચનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી એસીબી સતત લાંચિયા લોકો સામે કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન ઉમરગામ તાલુકાના સંજાણ ચાર રસ્તા પાસેથી એસેબીએ બે હોમગાર્ડની મહારાષ્ટ્રમાંથી ગુજરાતની ચેક પોસ્ટ પર દારુ ઘૂસાડવા માટે 4500ની લાંચ લેતા બે હોમગાર્ડને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
ફરીયાદી મહારાષ્ટ્રમાંથી દારૂ લઇ ચેક પોસ્ટ પરથી ગુજરાતમાં લાવવા ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી અનિલભાઇ બાબુભાઇ ધોડી (ઉ.વ.૩૮) અને સુજીત ઇન્દ્રબલી સીંઘ (ઉ.વ.૩૬)ને મળ્યા હતા. તેમણે ચેક પોસ્ટ પરથી દારૂની હેરફેર કરવી હોય તો માસિક રૂ.૫૦૦૦ આપવા પડશે તેમ કહી લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતોને આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો.જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન ફરિયાદી સાથે આક્ષેપિતોએ હેતુલક્ષી વાતચીત કરી હતી. જેતી ફરિયાદીએ રકમ ઓછી કરવાનું કહેતાં અનિલભાઈએ રૂ.૫૦૦ ઓછા આપવા જણાવ્યું હતું. રૂ.૪,૫૦૦ લાંચની રકમ સ્વીકારતા બંન્ને સ્થળ પર ઝડપાયા હતા.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદના દેત્રોજમાંથી આચાર્ય અને ક્લાર્ક લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.
એન્ટિ કરપ્શન બ્યુરોએ દેત્રોજમાં આવેલી શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલના આચાર્ય અને જુનિયર ક્લાર્કને ₹૩૫,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. શિક્ષિકાની નિમણૂક માટે આ લાંચ માંગવામાં આવી હતી.
આપણ વાંચો: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઈ તોડાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી