વલસાડમાં 10 વર્ષની બાળકી સિક્કો ગળી ગઈ, જીવ બચ્યો, માતા-પિતા સાવધાન!

વલસાડ: અહીંના જિલ્લામાં માતા-પિતા માટે ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં રમત રમતમાં દસ વર્ષની દીકરી સિક્કો ગળી જતા પરિવાર મોટી મુશ્કેલીમાં મૂકાયો હતો. 10 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગઈ હતી. સિક્કો ગળી ગઈ તેના કારણે તેને પેટમાં દુઃખાવો શરૂ થયો હતો, જેથી સત્વરે બાળકીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અત્યારે બાળકીની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બાળકી રમત રમતમાં તે એક સિક્કો ગળી ગઈ
વલસાડના રોણવેલ ગામમાં આ સમગ્ર ઘટના બની છે. રોણવેલ ગામમાં વૃત્તિ નાયક નામની બાળકી તેના ભાઈ અને બાજુમાં રહેતા બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન રમત રમતમાં તે એક સિક્કો ગળી ગઈ હતી. જ્યારે તેના ભાઈને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તાત્કાલિક તેના પિતા અને પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી. પરિવાર અને આસપાસના લોકોએ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતાં.
સિક્કો વધારે અંદર રહ્યો હોત તો જીવનું જોખમ વધી જાત
સિવિલ હોસ્પિટલના બાળરોગ ડોક્ટર જણાવ્યાં પ્રમાણે બાળકીની હાલતમાં હવે સુધાર આવી ગયો છે અને તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. જોકે જો સિક્કો લાંબા સમય સુધી શરીરમાં રહ્યો હોત તો તેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હોત. ડૉક્ટરોએ તાત્કાલિક એક્સ-રે તપાસ કરાવી હતી. એક્સ-રે રિપોર્ટમાં બાળકીના પેટમાં 1 રૂપિયાનો સિક્કો સ્પષ્ટ દેખાયો, ત્યારબાદ ડોક્ટરોની ટીમે કોઈ પણ વિલંબ કર્યા વિના સારવાર શરૂ કરી. ડૉક્ટરોના મતે સિક્કો આંતરડામાં પહોંચે તે પહેલાં જ ઓળખાઈ ગયો હતો, જેનાથી સારવારમાં મદદ મળી અને તેનો જીવ બચી ગયો છે.
આપણ વાંચો: વિસાવદર બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, નીતિન રાણપરિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો
માતા-પિતાએ નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
આ ઘટના દરેક માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે. પોતાના બાળકોને આવી વસ્તુઓથી દૂર રાખવા જોઈએ. નાના બાળકોને ખબર નથી હોતી કે તે આ શું કરી રહ્યાં છે. જેથી દરેક વસ્તુને તે ખાવા લાયક સમજીને ખાવી લાગે છે. પોતાનું બાળક આંખ સામેથી દૂર ના જાય તેના માટે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ કઈ પહેલી ઘટના નથી આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની છે.