
સુરતઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષ પછી ભારત તેના શસ્ત્રભંડારમાં આધુનિક અને મારક હથિયારો સામેલ કરી રહ્યું છે. આ દરમિયાન ભારતની પ્રથમ એઆઈ-આધારિત હળવી ટેન્ક ઝોરાવર ગુજરાતમાં તૈયાર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના હજીરા ખાતે ખાનગી કંપનીમાં ઉત્પાદિત થઈ રહેલી પ્રથમ સ્વદેશી એઆઈ-આધારિત હળવી ટેન્ક ઝોરાવરને ટૂંક સમયમાં નિર્માણ કરવામાં આવશે. ડીઆરડીઓના સહયોગથી વિકસિત ઝોરાવર ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતામાં એક મોટો બદલાવ લાવી શકે છે.
શું છે ઝોરાવર ટેન્કની કિંમત
પ્રથમ તબક્કામાં ઝોરાવર ટેન્કના લગભગ 400 યુનિટ્સનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રત્યેક ટેન્કની કિંમત અંદાજે 70 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કુલ જરૂરિયાત આશરે 1,000 ટેન્ક પર નિર્ધારિત છે. આ નેક્સ્ટ જનરેશન, ઓલ-ટેરેન ટેન્ક રણ, મેદાનો, ઊંચાઈવાળા પર્વતો, સ્વેમ્પલેન્ડ અને જળસંગ્રહ સ્થાનો પર તૈનાત કરવા માટે પ્રથમ એઆઈ-આધારિત ટેન્ક હશે.

ઝોરાવર ટેન્ક છે સ્વદેશી
સૂત્રોએ જણાવ્યું હતું કે ટેન્કના ઘણા ઘટકો સ્થાનિક સ્તરેથી મેળવવામાં આવ્યા હતા. જેમાં વડોદરા, રાજકોટ અને સુરતમાં એમએસએમઈએ મોટો ફાળો આપ્યો હતો. ટેન્કની કૂલિંગ સિસ્ટમ, રબર ફાઉન્ડ્રી અને ગિયર મિકેનિઝમ્સ તમામ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે.
આપણ વાંચો: ગુજરાતમાં કોરોનાએ પકડી સ્પીડ, અમદાવાદમાં એક જ દિવસમાં નોંધાયા 17 કેસ
ઝોરાવર ટેન્કનું કટેલું છે વજન
માત્ર 25 ટન વજન ધરાવતી અને પરંપરાગત 70 ટન વજન ધરાવતી ટેન્ક કરતાં નોંધપાત્ર રીતે હળવી ઝોરાવરને ઝડપી તૈનાતી માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે. ઉપરાંત લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને સરળતાથી હવાઈ માર્ગે લઈ જઈ શકાય છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, ઓપરેશન સિંદૂર બાદ ઝોરાવરને ભારત – પાકિસ્તાન સરહદ, ભારત-ચાઇના સરહદ પર તૈનાત કરવામાં આવી શકે છે. ઝોરાવર આધુનિક યુદ્ધ મેદાન પરિસ્થિતિઓ માટે ઘણી અદ્યતન સુવિધાઓ સાથે બનાવવામાં આવી છે. તેની એઆઈ આધારિત ફાયર કંટ્રોલ સિસ્ટમ લક્ષ્યોને ઓળખીને લોક કરી દે છે. જેમાં સામાન્ય ચારથી પાંચને બદલે બે થી ત્રણ ક્રૂ સભ્યોની જરૂર પડે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ડ્રોન ડિફેન્સ સિસ્ટમ પણ છે. જે હવામાં જ ડ્રોન, મિસાઇલને શોધી, ટ્રેક કરીને તોડી પાડે છે.
ટેન્કને કેમ ઝોરાવર નામ આપવામાં આવ્યું
19મી સદીમાં ડોગરા જનરલ ઝોરાવર સિંહ લદ્દાખ અને પશ્ચિમ તિબેટમાં તેમના લશ્કરી અભિયાનો માટે જાણીતા હતા. તેના પરથી આ ટેન્કને ઝોરાવર નામ આપવામાં આવ્યું છે.