સુરત પોલીસમાં વીમેન પાવરઃ 15 ડીસીપીમાંથી 9 મહિલા | મુંબઈ સમાચાર
સુરત

સુરત પોલીસમાં વીમેન પાવરઃ 15 ડીસીપીમાંથી 9 મહિલા

પાંડેસરા અને અલથાણ: પડકારજનક વિસ્તારો

સુરતઃ ગુજરાતમાં તાજેતરમાં 115 આઈપીએસની બદલી થઈ હતી. ડાયમંડ સિટી સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ગુનાખોરીને કાબુમાં લેવા સુરતમાં 15 ડીસીપીમાંથી 9 મહિલાને જવાબદારી સોંપવામાં આવી છે. શહેરના સૌથી સંવેદનશીલ અને ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારો પાંડેસરા અને અલથાણમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે મહિલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, સાયબર સેલ, મરીન ટાસ્ક ફોર્સ અને ટ્રાફિક જેવા મહત્વના વિભાગો પણ મહિલા અધિકારીઓના હાથમાં રહેશે.

પાંડેસરા અને અલથાણ: પડકારજનક વિસ્તારો

સુરતના ઝોન ૪માં પાંડેસરા અને અલથાણ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં ગુનાખોરી અને કાયદાકીય સમસ્યાઓ વધુ જોવા મળે છે. આ ઝોનની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હવે ડો. નિધિ ઠાકુર સંભાળશે.

ગુનાખોરી પર નિયંત્રણ

ઝોન ૨, જેમાં લિંબાયત, ગોડાદરા અને ડીંડોલી જેવા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે, ત્યાં પણ ગુનાખોરીનો રેકોર્ડ ઊંચો રહ્યો છે. આ વિસ્તારમાં હવે ડો. કાનન દેસાઈ ગુનેગારો પર નજર રાખશે. તેમની નિમણૂકથી ગુનાખોરીમાં ઘટાડો થવાની અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત થવાની આશા છે.

આ ઉપરાંત, નવા બનેલા ઝોન ૭માં શેફાલી બરવાલની નિમણૂક કરવામાં આવી છે, જેઓ અગાઉ અરવલ્લી અને મોડાસામાં ફરજ બજાવી ચૂક્યા છે. આ નિર્ણયો દર્શાવે છે કે સુરત પોલીસ ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે મહિલા શક્તિ પર ભરોસો મૂકી રહી છે.

ડાયમંડ સિટી સુરતના દરિયાકિનારે ડ્રગ્સ પણ પકડાતું રહે છે. જેને ધ્યાનમાં રાખીને હજીરામાં ડીસીપીની પોસ્ટ ઉભી કરવામાં આવી અને આ જવાબદારી શ્રેયા પરમારને સોંપી હતી. આ ઉપરાંત સુરતમાં સાયબર ફ્રોડની ઘટના પણ વધી છે, સાયબર ક્રાઇમ પર લગામ લગાવવા સુરતમાં પ્રથમ વખત સાયબર સેલમાં ડીસીપી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેની જવાબદારી વિશાખા જૈનને સોંપવામાં આવી છે.

સુરતમાં આ 9 મહિલા ડીસીપીને સોંપવામાં આવી જવાબદારી

  • ડો. કાનન દેસાઇ, ડીસીપી, ઝોન-2
  • ડો. નિધિ ઠાકુર, ડીસીપી, ઝોન-4
  • શેફાલી બરવાલ, ડીસીપી, ઝોન-7
  • પન્ના મોમાયા, ડીસીપી ટ્રાફિક
  • વિશાખા જૈન, ડીસીપી, સાયબર સેલ
  • જુલી કોઠિયા, ડીસીપી, સ્પેશિયલ બ્રાન્ચ
  • ભક્તિ ડાભી, ડીસીપી, હેડ ક્વાર્ટર
  • અનુપમ, ડીસીપી, ટ્રાફિક
  • શ્રેયા પરમાર, ડીસીપી, મરીન ટાસ્ક ફોર્સ

આપણ વાંચો:  મેંદરડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button