સુરતમાં બેગમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, લિવ ઈન પાર્ટનરે લગ્નના દબાણથી ત્રાસી કાસળ કાઢ્યું

સુરતઃ જિલ્લાના કોસંબામાં બે દિવસ પહેલા ટ્રૉલી બેગમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની ક્રુર હત્યા કરીને તેના પગ બાંધીને એક ટ્રૉલી બેગમાં તેના મૃતદેહને ભરીને રોડની બાજુ પર મૂકી દેવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આ કેસમાં દિલ્હી નજીક ફિરોઝાબાદથી એક યુવકની ધરપકડ કરી હતી. આ યુવક સીસીટીવીમાં કેદ થયો હતો.
પોલીસ આ રીતે પહોંચી આરોપી સુધી
મૃતક મહિલાને યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને લિવ ઈનમાં રહેતી હતી. તે લગ્ન માટે સતત દબાણ કરતી હતી. જેનાથી ત્રાસી જઈને તેણે હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહને સુટકેસમાં પેક કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી સૂટકેસ ક્યાંથી ખરીદવામાં આવી હતી તેની તપાસ કરી હતી. આ તપાસમાં એવું બહાર આવ્યું કે હત્યારાએ બેગ ખરીદતી વખતે દુકાનમાં UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું. પોલીસને આ UPI ટ્રાન્ઝેક્શનના પુરાવાઓ મળ્યા, જેણે આરોપી સુધી પહોંચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમાં થયો હતો આ ખુલાસો
મૃતદેહ મળ્યા બાદ તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર પાંચથી છ જેટલા ઉઝરડાના નિશાન પણ જોવા મળ્યા હતા.
સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ મુજબ, મહિલાની હત્યા મૃતદેહ મળવાના 24 થી 48 કલાક પહેલા થઈ હોવાની શક્યતા છે. મહિલા સાથે કોઈ બળજબરી થઈ છે કે નહીં તે અંગેના અને અન્ય સેમ્પલો લઈને વધુ તપાસ માટે મોકલાયા છે.
બેગમાંથી લાશ મળ્યા બાદ પોલીસે શું કહ્યું હતું
ઘટના બાદ પોલીસના અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમને સડકના કિનારા પરની બેગમાંથી મૃતદેહ મળી આવી હોવા અંગેની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ કરતાં અંદાજિત 25 વર્ષની એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મહિલાનું મોત થયું હોવાનું જણાયું હતું.



