સુરતમાં કાયદાને નેવે મુકાયા! સુરતમાં ફૂલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની 'VIP' સ્વાગત રેલી | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં કાયદાને નેવે મુકાયા! સુરતમાં ફૂલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની ‘VIP’ સ્વાગત રેલી

સુરત: બહુચર્ચિત ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય જન લોક પાર્ટી (RJP)ના સંયોજક શેરસિંહ રાણા માટે સુરતમાં કાયદાના નિયમોને નેવે મૂકીને સ્વાગત રેલી યોજવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમના સમર્થકોએ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ૨૫ જેટલી કાળી લક્ઝરી કારના કાફલા સાથે એરપોર્ટથી ઓલપાડ સુધી રેલી કાઢી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

મળતી વિગતો અનુસાર, શેરસિંહ રાણા ઓલપાડના વડોલી અને વાંક કીમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના સમર્થકોએ તેમને ‘VIP’ સન્માન આપવા માટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી. શેરસિંહ રાણા સ્વાગત માટે એરપોર્ટ પર ૨૫થી વધુ કાળા રંગની સેડાન અને એસયુવી કારો આવી પહોંચી હતી. આ કાળા કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને પોલીસ કે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી વિના રેલી યોજીને શહેરના રસ્તાઓ પર ધાક જમાવી હતી.

આ રેલીના વીડિયો અને રીલ્સ સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યા હતા, જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી છે. મંજૂરી વિના જાહેર માર્ગો પર કાફલો કાઢીને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સુરત પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

કોણ છે શેરસિંહ રાણા?

શેરસિંહ રાણા મૂળ નામ પંકજ સિંહ હંમેશા ચર્ચામાં રહ્યા છે. 2001માં સાંસદ ફૂલનદેવીની હત્યાનો આરોપ તેમના પર છે, જે તેમણે બેહમઈ હત્યાકાંડનો બદલો લેવા માટે કરી હોવાનો દાવો કર્યો હતો. આ ગુનામાં જેલમાં ગયા બાદ, 2004માં તેઓ તિહાર જેલમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયા હતા.

જેલમાંથી ભાગ્યા બાદ તેઓ અફઘાનિસ્તાન પહોંચ્યા અને ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ ભારતમાં લાવવાનો દાવો કરીને મીડિયામાં છવાઈ ગયા હતા. હાલમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી ચલાવે છે અને તેમનું નામ 2025માં સમાજવાદી પાર્ટીના સાંસદને ધમકી આપવાના વિવાદમાં પણ આવ્યું હતું. નોંધનીય છે કે, તેમના જીવન પર આધારિત બોલિવૂડ ફિલ્મ પણ બની રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button