ગમે તેટલી વગ હશે, 24 કલાકમાં ઝેર કરી દઈશ; ગુજરાત ભાજપ નેતાની અસામાજિક તત્વોને ધમકી

સુરતઃ શહેર ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક) આયોજીત દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું 68 મો સમૂહલગ્ન મહોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું, સમાજને આર્થિક રીતે સદ્ધર કરવા કુરિવાજોનો બહિષ્કાર, વધતી જતી મોંઘવારી અને લગ્નના નામે થતા બિનજરૂરી ખર્ચ સામે વાટલિયા પ્રજાપતિ સમાજે એક અનોખી પહેલ કરી છે. તેમણે દીકરીઓની સુરક્ષા અંગે કહ્યું, ખાલી મારી સુધી વાત પહોંચાડી દેજો. વગર પોલીસ ફરિયાદે પાઠ ભણાવીશું.
શું બોલ્યા મોરડિયા
કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મંચ પરથી કહ્યું, કોઈપણ સમાજની દીકરી હોય, તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. સામે ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ન હોય, તેને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી હું લઉં છું. અસામાજિક તત્વોને વગર FIRએ શિક્ષા કરવામાં આવશે. જો મારો અંગત માણસ પણ ગુનો કરશે, તો હું તેને પણ નહીં છોડું.
વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારમાં દબંગ નેતા તરીકે જાણીતા છે. ગત વર્ષે વિનુ મોરડિયાએ તેમના મત વિસ્તાર કતારગામમાં રહેણાંક મકાનમાં ચાલતા ગેરકાયદે ભંગારના ગોડાઉનને લઈ સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત કોર્પોરેશનની માલિકીની મિલકતો પર હાજર સિક્યુરિટી ગાર્ડને લઈ પણ રજૂઆત કરી હતી.
આ ઉપરાંત સુરતમાં ગરીબોને મળતા અનાજના કૌભાંડ સામે ધારાસભ્ય વિનુ મોરડિયાએ અવાજ ઉઠાવ્યો હતો. સંકલન બેઠકમાં તેમણે કલેક્ટરને સીધી ફરિયાદ કરીને જણાવ્યું હતું કે રેશનિંગની દુકાનોના કેટલાક દુકાનદારો અને કાળા બજારીયાઓ ગરીબોને મળવાપાત્ર અનાજ સગેવગે કરી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયાને તેમના મતવિસ્તારના લોકો તરફથી આ પ્રકારની અનેક ફરિયાદો મળી હતી.
લોકોએ તેમને જણાવ્યું હતું કે સરકારી દુકાનો પર તેમને મળતું અનાજ પૂરતા પ્રમાણમાં મળતું નથી. તેમણે કલેક્ટરને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવા કાળા બજારીયાઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેમ કહ્યું હતું. આ ઉપરાંત દરેક સરકારી રાશનની દુકાન પર સ્પષ્ટ રીતે એક બોર્ડ લગાવવામાં આવે તેવું સૂચન પણ કર્યું હતું.



