સુરત

મહારાષ્ટ્રનો યુવક, ઝારખંડની યુવતી વાપીમાં ફ્લેટ રાખીને છાપતાં નકલી નોટો, 30 લાખના બદલામાં આપતાં 80 લાખ

વાપીઃ શહેરમાંથી નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું હતું. મહારાષ્ટ્રનો યુવક અને ઝારખંડની યુવતી વાપીમાં ફ્લેટ રાખીને નકલી નોટો છાપતાં હતા. તેઓ 30 લાખના બદલામાં 80 લાખ આપતા હતા. વલસાડ એલસીબીને , વાપીના હરીયાપાર્ક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. આ માહિતીની ખાતરી કર્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો.

નકલી નોટ રેકેટના તાર અન્ય રાજ્ય સુધી

દરોડા દરમિયાન પોલીસને ફ્લેટમાંથી સંજય સોમનાથભાઈ પવાર અને છાયાદેવી મંડલ નામની મહિલાને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપી સંજય પવાર મૂળ નાસિક (મહારાષ્ટ્ર)નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે મહિલા આરોપી છાયાદેવી મંડલ ઝારખંડની વતની છે. આ મામલે પોલીસને શંકા છે કે આ નકલી નોટ રેકેટના તાર અન્ય રાજ્યો સુધી ફેલાયેલા હોઈ શકે છે.

મહિલા આરોપી છાયાદેવી મંડલે પોતાનો ફ્લેટ નકલી નોટો છાપવા માટે સેફ હાઉસ તરીકે ઉપયોગ માટે આપ્યો હતો. ફ્લેટમાં કલર પ્રિન્ટર, ખાસ કાગળ અને અન્ય સાધનોની મદદથી નોટો છાપવામાં આવતી હતી, જેથી દેખાવમાં તે અસલી જેવી લાગે. પોલીસનું માનવું છે કે નોટો બજારમાં ફેરતી કરવાની તૈયારી ચાલતી હતી.

જપ્ત કરાયેલો મુદ્દામાલ નકલી કરન્સી સહિત સાધનો અને મોબાઈલ ફોન કબજે પોલીસે સ્થળ પરથી રૂ. 24,30,000ની નકલી કરન્સી, કલર પ્રિન્ટર, પેપર કટર, ફૂટપટ્ટી, ઇલેક્ટ્રિક બોર્ડ, નકલી નોટ માટેનો ખાસ કાગળ (3 મોટા પેકેટ), 2 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓ લોકોમાં લાલચ ફેલાવીને કહેતા હતા કે જો કોઈ વ્યક્તિ રૂ. 30 લાખની અસલી રોકડ આપે તો તેના બદલે રૂ. 80 લાખની નકલી નોટો આપવામાં આવશે. આ લાલચે અનેક લોકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આખું કૌભાંડ સંજય પવારની માસ્ટરમાઈન્ડ હેઠળ ચાલી રહ્યું હતું.

આ પણ વાંચો…ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં રૂ.176.42 કરોડથી વધુની 32.73 લાખ નકલી નોટો પકડાઈ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button