વડોદરા દુર્ઘટના બાદ સુરત એલર્ટ: ચોર્યાસી તાલુકાના બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સઘન નિરીક્ષણ…

સુરત: વડોદરા જિલ્લામાં સર્જાયેલા ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. તેના અનુસાર સુરત જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના ચોર્યાસી તાલુકાના નદી અને ખાડી ઉપર આવેલા તમામ નાના–મોટા પુલો, સ્લેબ ડ્રેન, બોક્સ કલ્વર્ટ, કોઝ-વે સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
હાલ ૧૮ સુધીમાં સ્ટ્રક્ચરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ચોર્યાસી પેટા વિભાગની તાંત્રિક ટીમે દરેક પુલની સ્થિરતા, સપોર્ટિંગ સ્ટ્રક્ચર, એબટમેન્ટ, પિયર્સ, ક્રેક તપાસ, જમીન ધોવાણ તેમજ પાણીની પસાર થવાની જગ્યા (ક્લિઅરન્સ) જેવી બાબતોની ગંભીરતાપૂર્વક ચકાસણી કરી હતી.

વિશિષ્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરાશે
દરેક પુલ માટે એક અલગ વિશિષ્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં પુલની હાલની સ્થિતિ, જોખમવાળા મુદ્દાઓ, તાત્કાલિક જરૂરી મરામત તથા ભવિષ્યના જાળવણી કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ચકાસણી દરમિયાન જે બ્રીજની સ્થિતિમાં જોખમ જણાયું હતું ત્યાં તરત જ પેચ વર્ક, કોંક્રિટ કામ, બેરિકેટિંગ તેમજ ચેતવણી બોર્ડ લગાવવાના પગલાં લેવામાં આવ્યા હતાં.
તાલુકાના લાજપોર-કછોલી-સામરોધ-તરાજ રોડ તથા સામરોધ સ્મશાનથી લિંગડ રોડ ઉપર આવેલા માઈનોર પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પુલોના સ્ટ્રક્ચરલ રિપોર્ટના આધારે આવશ્યકતા જણાય તો ભવિષ્યમાં પુનઃમજબૂતીકરણ, સ્ટ્રક્ચરલ રિપેર તેમજ ટેકનિકલ મોનિટરિંગની કામગીરી અમલમાં મુકવામાં આવશે.