સુરત સિવિલમાંથી બે કેદી ફરાર: પોલીસ તપાસનો ધમધમાટ શરૂ…

સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર ગુનાના બે કેદી ફરાર થઈ જતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે આ બે કેદીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર 24 કલાકના સમયગાળામાં બે કેદીઓ પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.
આ બંને ઘટનાઓમાં આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસ જાપ્તામાં હોવા છતાં ભાગી છૂટ્યા હતા. આ ઘટનાઓને પગલે ખટોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગત મુજબ, કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં મે 2025માં હત્યાના ગુનામાં નોંધાયેલો આરોપી ઉત્તમ ધનગઢ ફરાર થઈ ગયો હતો. મૂળ મહારાષ્ટ્રનો ઉત્તમ ધનગઢ પલસાણામાં રહેતો હતો, તેને ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે સબ જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
પોલીસ જાપ્તા સાથે આવેલા આ આરોપીને સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર બાદ જ્યારે પોલીસ કર્મચારીઓ તેને લઇને દવાની લાઈનમાં ઊભા હતા, ત્યારે આરોપી અચાનક પોલીસકર્મીઓને ધક્કો મારી હાથકડી સાથે ભાગી છૂટ્યો હતો.
જ્યારે પોક્સોના ગુનાના આરોપી શુભમ શર્માને રાજકોટ જેલમાંથી સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂઆત દરમિયાન તેને ખેંચ આવતા તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે, હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા દરમિયાન તે જાપ્તામાં રહેલા પોલીસકર્મીઓની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ, ખડોદરા અને વરાછા પોલીસની ટીમો દ્વારા આરોપીને પકડવા માટે સઘન શોધખોળ ચાલી રહી છે અને હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…માનો જીવ કેમ ચાલ્યો હશેઃ સુરતમાં માતાએ પુત્રને ઝેર પિવડાવી પોતે પણ પીધું…