
સુરત: દેશમાં ફરી વખત કોરોનાએ દસ્તક દીધી છે. આ દરમિયાન સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજે કોવિડ-19ના બે નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ફરી સક્રિય બન્યું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લો કોવિડ-19નો કેસ વર્ષ 2023ના ઓગષ્ટ માસમાં નોંધાયો હતો, ત્યાર બાદ આજે બે નવા કેસ સામે આવ્યા છે.
વિશાખાપટનમથી સુરત આવેલી મહિલા પોઝિટિવ
મળતી વિગતો અનુસાર નોંધાયેલા કેસોમાં, એક 27 વર્ષીય મહિલા ન્યુ સિવિલ હોસ્પિટલના રહેવાસી છે, જેઓ 17 મેના રોજ વિશાખાપટનમથી સુરત આવ્યા હતા. બીજો કેસ 25 વર્ષીય મહિલાનો છે જેઓ વેસુના રહેવાસી છે. હાલમાં બંને દર્દીઓને ન્યુ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે, બંને દર્દીઓએ કોવિડ-19 રસીના બંને ડોઝ લીધેલા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.
અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા
અમદાવામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 31 પર પહોંચ્યો છે. ગુરુવારે શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વઘારાને લઈ તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો
રાજ્યમાં મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જે પૈકી 33 કેસ એક્ટિવ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી, શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે. રાજ્યમાં કોવિડ ટેસ્ટિંગનું પ્રમાણ વધતાં એક્ટિવ કેસનો આંકડો પણ વધી રહ્યો છે. તબીબો પણ ગભરાવાના બદલે સાવચેતી રાખવાની તથા ભીડથી દૂર રહેવાની અપીલ કરી રહ્યા છે.