સુરતમાં આવતીકાલે મુખ્ય પ્રધાનની હાજરીમાં તિરંગા યાત્રા યોજાશે, 100 ઈ-બાઈક પણ યાત્રામાં થશે સામેલ

સુરતઃ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રવિવારે સાંજે 6 વાગ્યે તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા સુરત-ડુમસ રોડ પરના વાય જંક્શનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 1.8થી 2 કિ.મી.ના રૂટ પર યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તેમની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને સ્થાનિક નેતાઓ પણ જોડાશે.
જુદા-જુદા રાજ્યના અને વિવિધ ધર્મના લોકો પણ જોડાશે
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા એક કાર્નિવલ સ્વરૂપે યોજાશે. જેમાં સમાજના દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાશે. આ યાત્રામાં માત્ર સુરતના લોકો જ નહિ પરંતુ, જુદા-જુદા રાજ્યના અને વિવિધ ધર્મના લોકો પણ જોડાશે, જે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને સાકાર કરશે. ઉદ્યોગ જગતના લોકો પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાગ લેશે. આ યાત્રામાં 20 જેટલા અલગ-અલગ બેન્ડ, ટેલેન્ટ આર્ટિસ્ટ અને ટેબ્લો પણ જોડાશે, જે દેશભક્તિના ગીતો અને રંગબેરંગી પ્રદર્શનથી વાતાવરણને ઉત્સાહમય બનાવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન: અમદાવાદ સહિત 4 મહાનગરમાં યોજાશે 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા
પાલિકાના માર્શલ પગપાળા દોઢ કિલોમીટર લાંબો તિરંગા લઈ યાત્રામાં જોડાશે
યાત્રાના રૂટ પર 12 જેટલા સ્કલ્પચર સ્ટેજ તૈયાર કરવામાં આવશે, જ્યાં અલગ-અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે. આનાથી યાત્રામાં જોડાનારા લોકોને વિવિધ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળશે. આ યાત્રાનું એક મુખ્ય આકર્ષણ એ હશે કે, પાલિકાના માર્શલ પગપાળા દોઢ કિલોમીટર લાંબો તિરંગા લઈ યાત્રામાં જોડાશે, જે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરશે. યાત્રામાં 50,000થી વધુ લોકો ડેડિકેટેડ રીતે જોડાશે તેવો લક્ષ્યાંક છે.
તંત્ર દ્વારા કુલ 3.50 લાખ તિરંગાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંથી એક લાખ તિરંગા યાત્રાના રૂટ પર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. સુરક્ષાની દૃષ્ટિએ પોલીસના આઠ જેટલા પ્લાન્ટુન, સીઆઈએસએફના જવાનો અને 100 જેટલી ઈ-બાઈક પણ યાત્રામાં સામેલ થશે.