સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી

સુરત: ડાયમંડ સિટી સુરતમાં સામૂહિક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામુહિક આપઘાતની ઘટના બહાર આવી છે. જેમાં પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ શરુ કરી છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મળતી વિગતો અનુસાર, સુરતના લાલગેટ વિસ્તારમાં સામૂહિક આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હરિપુરા સૌય શેરીમાં રહેતા મુસ્લિમ પરિવારે આપઘાત કરી લીધો હતો. પિતા ફૈઝ અહેમદ (ઉ. વ. 36), માતા મુબીના અહેમદ (ઉ. વ.32) અને 13 વર્ષના દીકરાનું મૃત્યુ થયું છે. મૃતકે અઠવાડિયા પહેલા જ સાઉદીની યાત્રા કરીને પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સામૂહિક આપઘાતની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક કેમિકલનાં વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી આવી હતી. હાલ પોલીસના સ્ટાફે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટ માર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નહોતું.
જીવનમાં આવતી મુશ્કેલીઓ, માનસિક તણાવ કે હતાશા એ કાયમી નથી, પરંતુ આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી. યાદ રાખો કે મદદ મેળવવી એ નબળાઈ નથી, પણ બહાદુરી છે. વ્યાવસાયિક કાઉન્સેલર કે હેલ્પલાઈન નંબરની મદદ લઈને કોઈપણ કટોકટીમાંથી બહાર આવી શકાય છે. આ માટે ગુજરાત સરકારની જીવન આસ્થા હેલ્પલાઈન 1800-233-3330થી મદદ મેળવી શકો છો.



