
Surat Crime News: ડાયમંડ નગરી સુરતના વરાટામાં સીમંત વિધિ દરમિયાન જામનગરથી આવેલા એક પરિવારના 9.68 લાખના ઘરેણાં, રોકડા અને મોબાઈલ મુકેલા પર્સની ચોરી થઈ હતી. પોલીસે 273 સીસીટીવી ફૂટેજ ચેક કરીને 24 વર્ષીય યુવતીની ધરપકડ કરી હતી. ચોરી બાદ યુવતીએ મુદ્દામાલ તેના સંબંધીના ઘરે છૂપાવ્યો હતો. પોલીસે જપ્ત કર્યો હતો.
શું છે મામલો
25 ફેબ્રુઆરીએ જામનગરથી સુરત આવેલો સોલંકી પરિવાર વરાછાના સૌરાષ્ટ્ર પટેલ સમાજ વાડીમાં સીમંત સમારોહમાં સામેલ થયો હતો. સમારોહ દરમિયાન ઘરેણાં ભરેલું પર્સ ખુરશીમાં મૂકીને તેઓ વ્યસ્ત થઈ ગયા હતા. આ દરમિયાન એક યુવતી ત્યાં આવી હતી અને મોકો જોઈને પર્સની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગઈ હતી.
ચોરીના જાણકારી મળતાં જ વરછા પોલીસ હરકતમાં આવી હતી અને વાડીમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં યુવતી પર્સ લઈને ભાગતી જોવા મળી હતી. જે બાદ પોલીસે 273 અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજની મદદથી યુવતીની ઓળખ કરીને લોકેશન ટ્રેસ કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને યુવતી શ્યામધામ સોસાયટીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેના પિતા મળ્યા હતા. પોલીસે તેના પિતાને વાત કરીને મોબાઈલ નંબર માંગ્યો હતો. જેનું લોકેશન ટ્રેસ કરીને યુવતીને સંતીષી નગરથી ઝડપી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો…પેપરમાં છબરડોઃ પૂછ્યું- આંબા પરથી સફરજન પડે તો કયું બળ લાગે? વિદ્યાર્થીઓ ચકરાવે ચડ્યાં
યુવતીની ધરપકડ બાદ પોલીસે તેણે સંબંધીના ઘરે છુપાવેલું પર્સ જપ્ત કર્યું હતું. પર્સમાંથી 9.68 લાખના ઘરેણાં, 1 લાખ રોકડા અને બે મોબાઇલ ફોન મળ્યા હતા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, યુવતી આર્થિક સંકડામણનો સામનો કરતી હતી. તેને લાગ્યું કે આવા પ્રસંગમાં તમામ લોકો વ્યસ્ત હોય છે ત્યારે ચોરી કરવી આસાન હશે. પરંતુ પોલીની સક્રિયતા અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી 48 કલાકની અંદર જ ઝડપી પાડવામાં આવી હતી.