
દિવાળી, છઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈને દેશના મોટા શહેરોમાં બિહાર તરફ જનારા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિલ્હી અને મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશનો પર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ જામી છે, જેના કારણે ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. જોકે આ ઉત્સાહ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મુંબઈથી બિહાર જઈ રહેલી ટ્રેનમાંથી પડી જવાથી બે લોકોના મોત થયા છે.
ઉધના સ્ટેશન પર બે કિમી લાંબી લાઈન
આવી જ હાલત ગુજરાતના અનેક રેલવે સ્ટેશનમાં જોવા મળી હતી, ખાસ કરીને સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 થી લગભગ બે કિલોમીટર દૂર મુસાફરોની લાંબી લાઇન લાગી ગઈ હતી. સ્ટેશન પરિસરમાં અને સ્ટેશનની બહાર લિંબાયત વિસ્તારમાં મુસાફરોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. શનિવાર રાતથી જ સુરતના ઉધના રેલ્વે સ્ટેશનના પરિસરમાં અને સ્ટેશનની બહાર ખુલ્લા મેદાનોમાં રાત્રિના અંધારામાં મુસાફરોની લાઇનો લાગી ગઈ હતી.
દિલ્હી-મુંબઈ સ્ટેશનો પર સ્થિતિ બેકાબૂ
છઠ અને દિવાળીના તહેવાર માટે પોતાના વતન બિહાર જવા માંગતા લોકોનો ધસારો એટલો વધી ગયો છે કે રેલવે દ્વારા દોડાવાયેલી વિશેષ ટ્રેનો પણ ઓછી પડી રહી છે. દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે. ફૂટ ઓવરબ્રિજથી લઈને પ્લેટફોર્મ સુધી માત્ર મુસાફરો જ દેખાઈ રહ્યા છે. ભીડને કાબૂમાં લેવા માટે રેલવે દ્વારા વધારાનો પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવ્યો છે, પરંતુ લોકોનું ઘોડાપૂર અટકવાનું નામ નથી લેતું. આવી જ સ્થિતિ મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ (LTT) સ્ટેશન પર પણ જોવા મળી રહી છે. અહીં પણ બિહાર તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ છે અને સ્ટેશન પર હજારો મુસાફરો કલાકો સુધી ટ્રેનની રાહ જોતા જોવા મળ્યા હતા.
મુંબઈથી બિહાર આવતી ટ્રેનમાં દુર્ઘટના, બેનાં મોત
મુસાફરોની અસહ્ય ભીડના કારણે રવિવારે સવારે મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસથી બિહારના રક્સૌલ જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. નાશિક રોડ રેલવે સ્ટેશન નજીક ભારે ભીડને કારણે ત્રણ મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી.
આપણ વાંચો: લીકર મામલે રકઝક થતા સુરતના ઉદ્યોગપતિ સહિત બેની ધરપકડઃ દીકરાએ પોલીસ પર કર્યો હુમલો