સુરત

સુરતમાંથી 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ…

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. ધોરણ 5માં ભણતા 11 વર્ષના વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડીને લઈ ગઈ હતી. સીસીટીવીમાં વિદ્યાર્થી તેની શિક્ષિકા સાથે જતો હોવાનું જોવા મળ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષિકાની ભાળ મેળવવા પોલીસે 4 ટીમો બનાવી હતી.પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યાં ન હતાં. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યાં હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. મોબાઈલ નંબરના આધારે પુણા પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા.

ક્યાંથી પકડાયા શિક્ષિકા અને વિદ્યાર્થી
બુધવારે સવારે 4 વાગ્યા આસપાસ તેઓ રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. બંનેને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકાબીજાને ઓળખે છે. બંનેનાં પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે. વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લાં ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. પહેલાં ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યૂશન માટે જતો હતો. જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યાં હતાં.

શિક્ષિકાને પરિવારજનો લગ્ન માટે કહેતા હતા
શિક્ષિકાની ઉંમર 23 વર્ષ થઈ ગઈ હોવાથી પરિવારજનો લગ્ન માટે કહી રહ્યાં હતાં અને પરિવારજનોએ ઠપકો પણ આપ્યો હતો. આ સાથે વિદ્યાર્થીને પણ પરિવારજનો અભ્યાસ માટે ઠપકો આપતા હતા. દરમિયાન શિક્ષિકાએ તમામ તૈયારીઓ કરી હતી અને આ વિદ્યાર્થીને સાથે ભગાવીને લઈ ગઈ હતી. સુરત લાવ્યા બાદ શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેની વધુ પૂછપરછ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button