સુરતમાંથી આરોગ્ય વિભાગે દિવાળી પહેલા 80 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કર્યો

સુરતઃ દિવાળીના પર્વ પર શહેરમાં મોટા પાયે ભેળસેળયુક્ત પદાર્થનું વેચાણ થતું હોય છે. જેને અટકાવવા તંત્રએ કમર કસી છે. શહેરમાં મીઠાઈ, દૂધ, માવા વગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓમાં ચકાસણી ચાલી રહી છે, જે અંતર્ગત પુણાગમ સ્થિત ખોડીયાર ડેરી એન્ડ બેકરી તથા યોગીચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
બંને ડેરીમાંથી એસઓજી પોલીસની ટીમ મનપાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી તપાસ કરી હતી. ખોડીયાર ડેરીમાંથી 60 કિલો અને સૌરાષ્ટ્ર ડેરીમાંથી 20 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત માખણ બનાવવા માટેનું 70 કિલો રો મટીરીયલ તથા ક્રીમનો જથ્થો પણ મળ્યો હતો. કુલ 36 હજારનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: Surat માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી, 25 ટન ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું
સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને ડેરીમાંથી મળી આવેલાશંકાસ્પદ માખણના જથ્થાને જરૂરી સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જો નમૂના નિષ્ફળ જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો કિસ્સો સામે આવતા, લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી હતી.
મહત્ત્વનું છે કે તહેવાર દરમિયાન કેટલાક વેપારીઓ દ્વારા દૂધ-ઘી, માવો અને મીઠાઈ સહિતની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે. જે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા સાબિત થાય છે, ત્યારે વધુ નફો કમાવાની લાલચ રાખતા વેપારીઓ સામે વહીવટી તંત્રએ આંખ કરીને દાખલો બેસાડ્યો છે.