સુરત

સૂર્યપુત્રી તાપી નદીનો પ્રાગટ્ય દિન: સુરતમાં નાવડી ઓવારા ખાતે મંગલદીપ પ્રગટાવી કરાશે આરાધના

સુરત: ભારતમાં નદીઓનું ખુબ જ મહાત્મ્ય રહેલું છે અને આથી જ મોટાભાગના તીર્થસ્થળો કોઈને કોઈ નદીના કિનારે વસેલા છે. તમામ નદીઓમાં તાપી નદીનું ખૂબ જ મહત્વ રહેલું છે, સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો અષાઢ સુદ સાતમના દિવસે જન્મ દિવસ ઉજવવામાં આવે છે. આ એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મ દિવસ ઉજવાતો હોય. સુર્યપુત્રી તાપી નદી જમ્મદિનની ઉજવણી કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ સુદ સાતમ “સૂર્યપુત્રી તાપી નદીના જન્મ દિનની ઉજવણી” પ્રસંગે તા.૦૨/૦૭/૨૦૨૫ને બુધવારના રોજ સાંજે ૬.૩૦ કલાકથી નાવડી ઓવારા, જુની કોર્ટ સામે, નાનપુરા, સુરત ખાતે મંગલદીપ પ્રગટાવી તાપીમાતાની આરાધનાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સુરત મહાનગરપાલિકા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મી

તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે.સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને આથી જ સુરતની બીજી ઓળખ સૂર્યપુર તરીકેની છે. તાપી નદીના જન્મદિવસે તાપી નદી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણવી જરૂરી છે. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.

તાપી નદીને સુરતમાં માતા તરીકે પૂજવામાં આવે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. જેમાંથી એક મંદિર ચોક બજાર ઘંટા ઓવારા પર છે. જ્યાં દરરોજ આ મંદિરની પૂજા કરવામાં આવે છે અને તાપી માતાને યાદ કરીને આભાર વ્યક્ત કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button