ગુજરાતમાં 1960 થી ચાલી આવતી ( કાગળ પર કાયદેસર ) દારૂબંધી હવે રાજ્યની પ્રવાસન પોલિસી હેઠળ હળવી થવાના સંકેત મળતા હોય તેમ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નશાબંધી અને આબકારી વિભાગે કેટલાક નિયમો હેઠળ હળવાશ કરી આપી છે. ત્યારે, બીજી તરફ આ જ પ્રકારની પોલિસી માટે દરિયાકાંઠાના વિસ્તારો માગણી કરી રહ્યા છે. જ્યાં સમૃદ્ધ દરિયા કિનારો છે અને ભારે પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તેવા વિસ્તારો સાથે કુદરતી પર્વતમાળ ધરાવતા ડાંગ-સાપુતારા જેવા વિસ્તારને પણ પ્રવાસન પોલિસી હેઠળ દારૂબંધી હળવી થવાની આશા જાગી છે . પરંતુ સૌથી મોટી વાત એ છે કે, ડાયમંડ અને કપડાના ઉધ્યોગ મથક કહેવાતા સુરતના નવનિર્મિત ‘ડાયમંડ બુર્સ’માં ગિફ્ટ સિટી માફક જ છૂટ-છાટ મળવાના સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો: લીકર પરમિટઃ શું ગાંધીનગર માત્ર શરૂઆત છે, ડાયમંડ બુર્સ સહિત અહીં પણ
ગુજરાત રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે વધુ મહત્ત્વના પ્રવાસન સ્થળો કે જ્યાં વિદેશીઓ સહિત અન્ય રાજ્યોના લોકો આવે છે ત્યાં દારૂ પીવાની મંજૂરી આપી શકે છે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. આ વચ્ચે હવે આગામી દિવસોમાં ગુજરાત સરકાર અન્ય એક સ્થળે નિયમો હળવા કરીને દારૂની છૂટછાટ આપી શકે છે.
પાટનગર ગાંધીનગર બાદ હવે હીરાનગરી સુરત અને ડાયમંડ બુર્સ માં રાજ્ય સરકાર દારૂ પીવાની છૂટ આપી શકે છે. ડ્રીમ સિટી સુરતની અંદર બીજા ઘણા ટેક્સટાઈલ પાર્ક સાથેના ઘણા પ્રોજેક્ટ કાર્યરત થશે. ડ્રીમ સિટી અંતર્ગત હાલ સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયો છે અને ધીરે ધીરે હવે ઓફિસ પણ શરૂ થઈ રહી છે.
આ પણ વાંચો: ડાયમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ, ચર્ચા આજે થાય છે પણ સુરત પહેલેથી જાણે છે: PM મોદી
ડાયમંડ બુર્સમાં સૌથી વધુ વિદેશી બાયર્સની અવર જવર રહેશે. તેમજ અન્ય રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આવશે. ત્યારે કેટલીક વ્યવસ્થાઓની જરૂરિયાત ઊભી થતી હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા પદાધિકારીઓએ સરકારને રજૂઆત કરી છે. ડાયમંડ બુર્સમાં દેશ-વિદેશથી વેપારીઓ આવે અને હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્ય સાથે આ રજૂઆત કરાઈ છે.