PM Modiના જન્મદિવસે સુરતમાં દેશની સૌપ્રથમ ગ્રીન વ્હીકલ નીતિનો આરંભ થશે | મુંબઈ સમાચાર
સુરત

PM Modiના જન્મદિવસે સુરતમાં દેશની સૌપ્રથમ ગ્રીન વ્હીકલ નીતિનો આરંભ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીનગર/સુરતઃ સુરત સ્વચ્છ શહેર બન્યા બાદ હવે સુરત ગ્રીન સિટી બનવા તરફ ડગલું ભરી રહ્યું છે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયો-ફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દેશમાં સૌપ્રથમવાર ગ્રીન વ્હીકલ પોલિસી તૈયાર કરી છે અને તેનો અમલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

આ નીતિ હેઠળ ગ્રીન વાહનો ખરીદનાર નાગરિકોને વિવિધ આકર્ષક લાભો આપવામાં આવશે. જેમાં 1.50 લાખની બાઇકથી લઈ 25 લાખની કાર સુધીના વાહનોમાં 3,000થી લઈ 1 લાખનો સીધો ફાયદો થશે. પાંચ વર્ષ માટે કોર્પોરેશનના વ્હીકલ ટેક્સમાં રાહત આપવામાં આવશે અને પોલિસીના સમયગાળા દરમિયાન પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ મળશે.

આપણ વાંચો: અમદાવાદને ‘ગ્રીન સિટી’ બનાવવાની નેમ: 40 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક

આ ઉપરાંત, પાલિકા સંચાલિત પાર્કિંગ સ્થળોમાં ગ્રીન વાહનો માટે 10 ટકા પાર્કિંગ જગ્યા આરક્ષિત રાખવામાં આવશે. આ પોલિસી માત્ર ઇલેક્ટ્રિક વાહનો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં હાઇડ્રોજન, બાયો-ફ્યુઅલ અને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ આધારિત ગતિશીલતાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ પ્રાયોગિક ધોરણે હાઇડ્રોજન બસ દોડાવવાનું પણ આયોજન કર્યું છે, જે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં એક મોટું પગલું છે.

આ પોલિસીમાં ઇ-ઓટો રિક્ષા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભવિષ્યમાં આરટીઓમાં માત્ર ઇ-ઓટો રિક્ષાની જ નોંધણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેના પર પાલિકા, કલેક્ટર અને આરટીઓના અધિકારીઓની સંયુક્ત સમિતિ નિર્ણય લેશે. હાલમાં, ગુજરાત રાજ્યના કુલ ઇ-વાહનો પૈકી 30 ટકા વાહનો સુરત શહેરમાં નોંધાયેલા છે, જ્યારે દેશના કુલ ઇ-વાહનોના અઢી ટકા વાહનો સુરતમાં છે.

આપણ વાંચો: Gujarat: અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની વાતો વચ્ચે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી ગયુ

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ નવી પોલિસીના કારણે ઇ-વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને તે પર્યાવરણ માટે અત્યંત અનુકૂળ રહેશે.

ભારત સરકાર, ગુજરાત સરકાર અને જીઆઈઝેડ જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી તૈયાર કરાયેલી આ પોલિસી સુરતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં દેશના અગ્રણી શહેરોમાંથી એક બનાવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button