
સુરતઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીયે દ્વારા પાકિસ્તાનની મદદ કરવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર બોયકોટ તુર્કીયે ટ્રેન્ડ શરૂ થયો હતો. ઉનાળામાં ગુજરાતીઓએ તુર્કીયોનો પ્રવાસ પણ કેન્સલ કરી દીધો હતો. વેપારીઓ દ્વારા માલ સામાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સુરતના શાહપોર વોર્ડમાં તુર્કીવાડ નામનો મહોલ્લો આવેલો છે. હાલ તેનું નામ બદલવા લોકોમાં માંગ ઉઠી છે.
300 વર્ષ કરતાં પણ વધારે સમયથીઆ વિસ્તાર તુર્કીવાડ તરીકે ઓળખાય છે. તુર્કીયેના ટ્રેડર્સ અને નાગરિકો પહેલા અહીં નિયમિત વેપાર માટે આવતા હતા અને બાદમાં સુરત સ્થાયી થયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને લખવામાં આવેલા પત્રમાં રાષ્ટ્ર હિતમાં, સાંસ્કૃતિક ઓળખ અને તુર્કીયેના ભારત વિરોધી વલણને લઈ નામ બદલવાની માંગ કરવામાં આવી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, સુરત એક સમયે મહત્ત્વનું આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર હતું અને અહીં ઘણા વિદેશી વેપારીઓ આવતા હતા, જેમાં તુર્કીયેના વેપારીઓનો પણ સમાવેશ થતો હોઈ શકે છે. કદાચ આ વિસ્તારમાં તુર્કીયેના લોકોની વસ્તી વધારે હોવાને કારણે અથવા તેમના કોઈ મહત્ત્વપૂર્ણ યોગદાનને કારણે આ જગ્યાનું નામ તુર્કીવાડ પડ્યું હોઈ શકે છે.
એક અગ્રણીના કહેવા પ્રમાણે, રાષ્ટ્રીય એકતાની વાત હાલ અગ્રેસર છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી તુર્કીયેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે અમે પણ સુરતના આ વિસ્તારનું નામ બદલવા પિટિશન કરીશું.
આપણ વાંચો : કાશ્મીરમાં સુરતીઓનું શકિત પ્રદર્શન: લાલચોકમાં હવન કરીને ભગવો લહેરાવ્યો