ટ્યુશન ટીચરનો આપઘાત: દીકરીને ન્યાય આપવવા માટે સમાજ આવ્યો મેદાનમાં, કેન્ડલ માર્ચ કાઢી…
આરોપી વિરુદ્ધ આક્રોશ, પ્લેકાર્ડ બતાવી સૂત્રોચ્ચાર કર્યાં

સુરતઃ ડાયમંડ નગરી સુરતના કતારગામમાં બે દિવસ પહેલા પાટીદાર શિક્ષિકાએ નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. ખાનગી ટ્યુશન કરાવતી શિક્ષિકા આપઘાત આપતા સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શિક્ષિકાને ન્યાય અપાવવા ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહિલાઓ પણ મોટી સંખ્યામાં તેમાં સામેલ થઈ હતી. કેન્ડલ માર્ચમાં લોકો દીકરી નહિં, હવે સમાજ બોલશે, આરોપીનું સરઘસ કાઢો, હે નારી તું કદી ન હારી જેવા પ્લેકાર્ડ લઈને જોડાયા હતા.
કેન્ડલ માર્ચમાં 10 હજારથી વધુ લોકો જોડાયા
આશરે બે કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચમાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. લોકોએ હાથમાં મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરી હતી. કેન્ડલ માર્ચમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, પ્રતાપ દૂધાત સહિત અનેક પાટીદાર આગેવાનો જોડાયા હતા.

યુવકના પિતાએ યુવતીના પિતાને અપશબ્દો કહ્યા હતા
નીલ દેસાઈ નામનો યુવક તેના ટયુશન કલાસ પર છેલ્લા ઘણા સમયથી આવીને તેની સાથે મિત્રતા કેળવવા બળજબરીપૂર્વક પ્રયાસો કરતો હતો અને પીછો કરતો હતો. ઉપરાંત તેનો મોબાઈલ નંબર મેળવી ફોન કરીને પરેશાન કરતો હતો. જે બાદ યુવતીએ તેના પિતાને વાત કરી હતી. યુવતીના પિતાએ યુવકના પિતાને ફોન કરીને તેમનો દીકરો મારી દીકરીને પરેશાન કરે છે તે બાબતેની વાત કરી હતી. જેથી તેના પિતા ઉગ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા અને મૃતકના પિતાને અપશબ્દો બોલ્યા હતા. તેમણે અમારી સાથે ખોટી વાત ન કરો તેમજ તમારે થાય એ કરી લેજો કહ્યું હતું. ઉપરાંત બહું વધારે નહી બોલવાનું અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ કહીને ફોન મૂકી દીધો હતો.
પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો
ઉલ્લેખનીય છે કે શિક્ષિકાના આપઘાત બાદ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો અને આ મામલે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું કે, કેટલાક અસામાજિક તત્વો કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ફોર-વ્હીલર ગાડીઓમાં આવી વિદ્યાર્થીઓને વ્યાજના વિષચક્રમાં ફસાવે છે અને ખાસ કરીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કરે છે. આ પ્રકારની ઘટનાઓ અનેક દીકરીઓ સાથે બનતી હોય છે. પરંતુ સામાજીક રૂઢીચુસ્તતાને લીધે દીકરીનો પિતા મજબૂર હોવાથી તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી છે, આવી જ એક ઘટનાનો ભોગ હાલ કતારગામની આ દીકરી બની છે.
માનસિક વિકૃતિ ધરાવતો એક યુવક છેલ્લા ત્રણ વર્ષથી કતારગામમાં રહેતી આ શિક્ષિકાને સતત પરેશાન અને બ્લેકમેઈલ કરતો હતો. જેના કારણે જ કતારગામની શિક્ષિકાએ આ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે. જેથી આ બાબતોમાં સંડોવાયેલા આવારા તત્વોને સખત સજાઓ થાય અને આવુ કૃત્ય કરનાર લોકોમાં ભય ઉભો થાય તે જરૂરી છે. તેથી સરકાર સખત હાથે કાર્યવાહી કરે તેવી સમગ્ર પાટીદાર સમાજની લાગણી અને માંગણી છે.