
સુરતઃ શહેરનો કાપડ ઉદ્યોગ દર વર્ષે બાંગ્લાદેશ સાથે આશરે 1000 કરોડથી વધુનો સીધો વેપાર કરે છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિશાળ આર્થિક હિતોને બાજુ પર મૂકીને વેપારીઓએ રાષ્ટ્રવાદ અને ધર્મના રક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા) ના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, ભારતીયતા અને સનાતન સંસ્કૃતિને લલકારનાર કોઈપણ શક્તિ સામે સુરતનો વેપારી ઝૂકશે નહીં અને આર્થિક નુકસાન વેઠીને પણ વેપાર બંધ રાખશે.
240 ટેક્સટાઈલ માર્કેટ જોડાઈ
સુરતમાં આવેલી કુલ 240 જેટલી ટેક્સટાઇલ માર્કેટો અને તેની સાથે સંકળાયેલા અંદાજે 17,000થી વધુ વેપારીઓ આ બહિષ્કારના આહવાનમાં જોડાયા છે. ફોસ્ટા દ્વારા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત ન થાય અને અત્યાચારો બંધ ન થાય, ત્યાં સુધી કોઈએ પણ નવા ઓર્ડર લેવા નહીં કે માલની સપ્લાય કરવી નહીં. આ નિર્ણયને કારણે બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગને મોટી અસર થવાની શક્યતા છે, કારણ કે તે સુરતના કાપડ પર નિર્ભર છે.

સુરતમાંથી બાંગ્લાદેશમાં શું થાય છે નિકાસ
બાંગ્લાદેશનો ટેક્સટાઇલ ઉદ્યોગ કાચા માલ અને ફિનિશ્ડ ફેબ્રિક માટે મોટાભાગે સુરત પર આધાર રાખે છે. સુરતથી મોટા પાયે પ્રિન્ટેડ અને ડાઈડ ગારમેન્ટ ફેબ્રિકની નિકાસ થાય છે. વેપારીઓએ કહ્યું હતું કે જો આપણે આપણો માલ આપવાનું બંધ કરીશું, તો ત્યાંના ઉદ્યોગ પર તેની સીધી અસર પડશે. જે સુરતના વેપારીઓ બાંગ્લાદેશની સરકાર અને ત્યાંના કટ્ટરપંથી તત્વોને પર આ એક પ્રકારનો આર્થિક તમાચો છે.
વેપારી સંગઠનોએ શું કહ્યું
સુરતના વેપારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતની અસ્મિતા અને હિન્દુ સમાજની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ‘પહેલા દેશ અને ધર્મ, પછી વેપાર’ના સૂત્ર સાથે સુરતના વેપારીઓ એકજૂથ થયા છે. આ ઐતિહાસિક નિર્ણય આગામી દિવસોમાં ભારત-બાંગ્લાદેશના વ્યાપારી સમીકરણો પર મોટી અસર કરી શકે છે, પરંતુ સુરતનો વેપારી અત્યારે માત્ર ન્યાય અને સન્માનની માંગ કરી રહ્યો છે.
સુરતના વેપારીઓનું 100 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે સુરતના વેપારીઓના અંદાજે 100 કરોડથી વધુનું પેમેન્ટ હાલમાં અટવાયેલું છે. પેમેન્ટ અટવાયું હોવા છતાં વેપારીઓનો નિર્ણય મક્કમ છે. વેપારીઓનું માનવું છે કે રૂપિયા કરતા માનવીય મૂલ્યો અને પોતાની આસ્થાનું સન્માન વધુ મહત્ત્વનું છે. આથી જ, આર્થિક જોખમ હોવા છતાં બાંગ્લાદેશ સરકારને પાઠ ભણાવવા માટે સુરતના કાપડ બજારોએ નિકાસ અટકાવવાનો કડક નિર્ણય લીધો છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા મામલે ભારતીય વિદેશ મંત્રાયલે યોજી પ્રેસ, યુનુસ સરકારને આપ્યો કડક સંદેશ…



