સુરતમાં પત્નિના લગ્નેતર સંબંધોથી કંટાળેલા ઉત્તર ગુજરાતના શિક્ષકનો આપઘાત, બે માસૂમ પુત્રોની પણ કરી હત્યા

સુરત: સુરતના ઉમરા વિસ્તારમાં શિક્ષકે બે માસૂમ પુત્રોની હત્યા બાદ કરેલા આપઘાત કેસમાં ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. આ આપઘાત કેસની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષકે પત્નીના લગ્નેતર સંબંધોથી કંટાળીને આ પગલું ભર્યું છે. પોલીસે આ કેસમાં મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ અને તેના મોબાઈલ ફોનના ડેટાના આધારે તપાસ હાથ ધરી હતી.
લગ્ન જીવનમાં તણાવ
સુરત પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વતની શિક્ષકના 10 વર્ષ પૂર્વ પ્રેમ લગ્ન થયા હતા. જેમાં તેમને બે બાળકો પણ હતા. પરંતુ થોડા સમયથી તેમના લગ્ન જીવનમાં તણાવ જોવા મળી રહ્યો હતો. જેના પગલે શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવામાં આવ્યો છે.
અલ્પેશે ફોન ઉપાડ્યો ન હતો
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક શિક્ષક અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતો. જ્યારે તેમની પત્ની ફાલ્ગુની જીલ્લા પંચાયત ઓફીસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે બપોરે જયારે ફાલ્ગુનીએ પતિ અલ્પેશને ફોન કર્યો હતો. ત્યારે અલ્પેશે ફોન ઉપાડ્યો ન હતો. જેના પગલે ફાલ્ગુની રીસેસ દરમિયાન ઘરે પહોંચી હતી. ત્યારે ઘર અંદરથી લોક હતું અને કોઈ જવાબ આપતું ન હતું.
સોફ્ટ ડ્રિંકમા ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી
તેથી તેણે પાડોશીની મદદથી ઘરનો દરવાજો તોડ્યો હતો. ત્યારે તેને તેના પતિ અને બે પુત્રો મરેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ તેમની પાસે સોફ્ટ ડ્રિંકની બોટલ પણ પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકે પોતાના બંને પુત્રોને સોફ્ટ ડ્રિંકમા ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી અને ત્યારબાદ પોતે પણ તેનું સેવન કરી આપઘાત કરી લીધો હતો.
પોલીસે આ કેસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: વિકાસની વાતો વચ્ચે કુપોષણનો ડંખ? ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો!