સુરત

સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાનું શરમજનક કૃત્ય! 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ…

સુરતઃ સુરતના પૂણા વિસ્તારમાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં 23 વર્ષની એક શિક્ષિકાએ તેના 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ જતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં શિક્ષિકા વિદ્યાર્થીને લઈ જતી દેખાઈ છે. સુરત પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, જ્યારે વિદ્યાર્થીના પરિવારજનો આઘાતમાં છે. શિક્ષિકાએ રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દેતાં પોલીસ માટે શોધખોળ વધુ પડકારજનક બની છે.

શિક્ષિકા વિદ્યાર્થીને ત્રણ વર્ષથી આપતી હતી ટ્યૂશન
મળેલી માહિતી અનુસાર, 25 એપ્રિલના રોજ બપોરે પૂણા વિસ્તારમાં રહેતો પાંચમા ધોરણનો 11 વર્ષનો વિદ્યાર્થી ઘર બહાર રમતો હતો ત્યારે અચાનક ગાયબ થયો. બાળકના પરિવારજનોએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ ચોંકાવનારો ખુલાસો થયો કે, બાળકને તેની 23 વર્ષની શિક્ષિકા લઈ ગઈ છે. આ શિક્ષિકા વિદ્યાર્થીને ત્રણ વર્ષથી ટ્યૂશન આપતી હતી અને શાળામાં તેની વર્ગ શિક્ષિકા તરીકે પણ કામ કરી ચૂકી છે. બંને એક જ વિસ્તારમાં રહે છે, જેના કારણે પરિવારને શિક્ષિકા પર સંપૂર્ણ વિશ્વાસ હતો.

વિદ્યાર્થી સાથે ટ્રેનમાં બેસીને રવાના થઈ ગઈ અને…
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને સાંજે 5 વાગ્યે સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યાંથી તેણે પોતાનો ફોન બંધ કર્યો અને વિદ્યાર્થી સાથે ટ્રેનમાં બેસીને રવાના થઈ ગઈ. પોલીસને એવી પણ માહિતી મળી છે કે, શિક્ષિકાએ મેક માય ટ્રિપ દ્વારા ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં શિક્ષિકા કપડાંથી ભરેલી બેગ સાથે જોવા મળી હતી, જ્યારે વિદ્યાર્થી પાસે કોઈ સામાન નહોતો. એક દિવસ અગાઉ પણ શિક્ષિકા આ બેગ સાથે ઘરેથી નીકળતી જોવા મળી હતી.

ગુરૂ શિષ્યના સંબંધ પર લાગ્યું લાંછન
આ મામાલે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપીએ રેલવે સ્ટેશન પહોંચીને તેનો ફોન બંધ કરી દીધો હતો. ઘર અને રેલવે સ્ટેશનના સીસીટીવીમાં તેમની સાથે સામાન દેખાય છે. આ લોકો સાથે અન્ય કોઈ પણ સામેલ છે કે નહીં તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ સમગ્ર ઘટનાને લઈને ગુરૂ શિષ્યના સંબંધ પર લાંછન લાગ્યું છે. કારણ કે, 23 વર્ષની શિક્ષિતા માત્ર 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ છે. આ મામલે અત્યારે પંથકમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button