₹974 કરોડના ખર્ચે તાપી નદી પર નવો બેરેજ: સુરતની 80 લાખની વસ્તીને મળશે જીવનદાન!

સુરતઃ દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે તાપી નદી પર નવો ગેટેડ બેરેજ બાંધવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે. અંદાજે રૂ. 974 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટનો ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તાજેતરમાં મંજૂર થઈ ચૂક્યો છે, સુરતના મેયર દક્ષેશ માવાણીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું કામ એક જ ફેઝમાં શરૂ કરવામાં આવશે.
60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે
આ યોજના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આકાર લેશે. કુલ ખર્ચના 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે, જ્યારે બાકીના 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહન કરવામાં આવશે. ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) મંજૂર થતા હવે ટૂંક સમયમાં જ બાંધકામની કામગીરી શરૂ થવાના સંકેતો છે. આ બેરેજનું કામ આશરે ત્રણેક વર્ષ સુધી ચાલશે. તાપી નદી ઉપર હાલ ઊકાઈ ડેમ, કાકરાપાર વિયર અને સિંગણ વિયર આવેલા છે, પરંતુ દરિયાની ભરતીનું પાણી વિયર-કમ-કોઝવે સુધી આવવાથી આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં જમીનમાં ખારાશ ભળી ગઈ છે. આ બેરેજથી ભરતીનું ખારું પાણી નદીમાં આવતું રોકાશે.
આ પણ વાંચો: પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું: ભાજપ-કોંગ્રેસ આમને સામને…
કેટલી હશે બેરેજની લંબાઈ-ઊંચાઈ
નવા બેરેજનો મુખ્ય હેતું મીઠા પાણીનું સરોવર બનાવી સુરત શહેરની પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવાનો છે. આ યોજનાના કારણે સુરત શહેરને પીવા માટે 19.60 મિલિયન ક્યૂબિક મીટર પાણી ઉપલબ્ધ થશે. આ બેરેજની લંબાઈ 1035 મીટર અને ઊંચાઈ 5 મીટર જેટલી રહેશે.
આ પણ વાંચો: સુરતમાં કોંગ્રેસના નેતાએ તાપી નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત…
કેટલા ગામને થશે લાભ
આ બેરેજ યોજનાના ભાગરૂપે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા તાપી નદીના જમણે કાંઠે અંદાજે રૂ. 120 કરોડના ખર્ચે લિફ્ટ ઈરિગેશનનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. આનાથી ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના 15 ગામોની 2365 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળી શકશે.



