સુરત: માતા-પિતાના ઠપકાથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી, માતાનું હૈયાફાટ રૂદન…

સુરત: ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીના નવમા માળેથી 12 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. આ વિદ્યાર્થી આપઘાત કરવા લિફ્ટમાં રેસિડેન્સીના નવમા માળે જતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. હાલ તો વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોવાથી વાંચવા બાબતે માતા-પિતાએ ઠપકો આપતાં માઠું લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. એકના એક દીકરાએ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં આવેલા પ્રભુનગર સોસાયટીમાં 12 વર્ષીય અવનીશ સુશીલભાઈ તિવારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને અવનીશ પરિવારનો એક દીકરો હતો. અવનીશ ઘરની નજીકમાં જ આવેલી એક સ્કૂલમાં ધો.7મા અભ્યાસ કરતો હતો, જોકે હાલ પરીક્ષા ચાલતી હોવાથી આજે બીજું પેપર હતું. અવનીશને વાંચવા બાબતે પરિવાર કહેતો હતો, પરંતુ તેને વાંચવાનું પસંદ ન હતું.
પરીક્ષા ચાલતી હોવાથી છેલ્લા થોડા દિવસથી માતા-પિતા અવનીશને વાંચવા બાબતે ટકોર કરતાં હતાં. આ દરમિયાન સોમવારે સવારે અવનીશ ઘરેથી નીકળી ગયો હતો અને ઘરથી 500 મીટર દૂર આવેલી શુભમ રેસિડેન્સીમાં પહોંચી ગયો હતો, જ્યાં લિફ્ટમાં રેસિડેન્સીના ટેરેસ પર જતો સીસીટીવીમાં કેદ થયો હતો. નવમા માળે પહોંચ્યા બાદ અવનીશે ઉપરથી મોતની છલાંગ લગાવી દીધી હતી.
વિદ્યાર્થીના આપઘાતના પગલે આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જોકે 12 વર્ષીય વિદ્યાર્થીને શુભમ રેસિડેન્સીમાં કોઇ ઓળખતું ન હોવાથી અજાણ્યા તરીકે તેનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ અંગે પરિવારને જાણ થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. એકના એક દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.