5.72 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના ખેડૂતની સુરતથી ધરપકડ…

સુરતઃ સુરતમાં એસઓજીએ મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરીને ભાવનગરના એક ખેડૂતની ધરપકડ કરી હતી. આ ખેડૂત પાસેથી 5.72 કિલોગ્રામ ‘એમ્બરગ્રીસ’ નામનો પદાર્થ મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.72 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.
આરોપી વિપુલ બાંભણિયાને ભાવનગરના હાથબ ગામના દરિયાકિનારેથી કિંમતી વસ્તુ મળી હતી. જેથી તે આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાયેલો હોવાની પોલીસને શંકા છે. ભારતમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પદાર્થનો વેપાર પ્રતિબંધિત હોવાથી આ કેસની તપાસ ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ બાંભણિયાએ પોતાનો વ્યવસાય મજૂરી અને ખેતી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેની પાસેથી મળેલી ‘એમ્બરગ્રીસ’ દર્શાવે છે કે તે માત્ર એક સામાન્ય ખેડૂત નથી. તેના મોબાઈલ ફોનની તપાસમાં પોલીસને એવા અનેક લોકોના સંપર્કો મળ્યા છે.
જેઓ આવી દુર્લભ અને પ્રતિબંધિત વસ્તુઓ ખરીદવામાં રસ ધરાવે છે. વિપુલને એન્ટિક ચીજવસ્તુઓ અંગેનું ઊંડું જ્ઞાન હોવાનું પણ સામે આવ્યું હતું. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે આ કિંમતી પદાર્થને ઓળખી લીધો હતો.
તેણે પોલીસને જણાવ્યું કે, લગભગ ચાર મહિના પહેલાં ભાવનગરના હાથબ ગામના દરિયાકિનારેથી આ એમ્બરગ્રીસનો ટુકડો મળ્યો હતો. આ પદાર્થની કિંમત ખૂબ ઊંચી હોવાથી તેને ભાવનગરમાં વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતાં તે સુરત આવ્યો હતો. જોકે સુરતમાં તે કોઈ ગ્રાહકને મળી શકે એ પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
આરોપીને વધુ તપાસ માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગ તેના રિમાન્ડ મેળવીને આ રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. પોલીસને શંકા છે કે વિપુલ આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્કનો એક ભાગ હોઈ શકે છે અને તેની પાસેથી મળેલા સંપર્કો આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે.
આ પણ વાંચો…અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ‘તરતા સોના’ સાથે બેની ધરપકડ કરી, 2.97 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત