
સુરત : ગુજરાતના સુરતમાં(Surat)માતા-પિતાને સ્તબ્ધ કરી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુરતના પાંડેસરામાં મોબાઇલ ફોનની આદત 18 વર્ષની યુવતી માટે જીવલેણ સાબિત થઈ. પિતાએ પુત્રીને ભોજનમાં મીઠું નાખવા મુદ્દે મોબાઈલમાં વ્યસ્ત હોવાનો ઠપકો આપતા યુવતીને લાગી આવ્યું હતું. તેમજ ગળે ફાંસી લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું.
આ પણ વાંચો: સુરતમાં પત્ની, બાળક અને માતા-પિતા પર ઘાતકી હુમલો કરી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; પત્ની-બાળકનું મૃત્યુ…
પુત્રીને ફાંસી લગાવેલી જોઇને માતા સ્તબ્ધ થઇ ગઇ
આ અંગે મળતી માહિતી મુજબ સુરતમાં રવિવારે સાંજે દીપા નટુભાઈ બિસ્વા નામની યુવતી ઘરમાં ભોજન બનાવતી વખતે હાથમાં મોબાઈલ જોવામાં વ્યસ્ત હતી. જેના પગલે તેણે શાકમાં વધુ મીઠું નાંખી દીધું હતું. જેના પગલે પિતાએ પુત્રીને ધમકાવી હતી અને બાદમાં નાઇટ શિફ્ટમાં કામ કરવા માટે જતા રહ્યા હતા. જ્યારે યુવતીની માતા કામ પરથી રાત્રે લગભગ 9 વાગે ઘરે આવી તો પુત્રીને ફાંસી લગાવેલી જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી. દીપા પરિવારની એક માત્ર સંતાન હતી.
શાકમાં ખૂબ મીઠું હોવાથી તેને ગુસ્સામાં તેને ઠપકો આપ્યો
જોકે, આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, મૃતક દીપાના પિતાએ જણાવ્યું હતું કે શાકમાં ખૂબ મીઠું હોવાથી તેને ગુસ્સામાં તેને ઠપકો આપ્યો હતો. તેની બાદ હું કામ પર ગયો અને તેની માતા ઘરે પરત આવી . આ દરમિયાન તેણે આ પગલું ભર્યું હતું. મારે એક જ પુત્રી હતી.
દીપા હંમેશા ફોન પર વ્યસ્ત રહેતી
આ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં દીપાના મામા હર્ષે કહ્યું કે બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના વ્યસનથી બચાવવા ખૂબ જ જરૂરી છે. દીપા હંમેશા ફોન પર વ્યસ્ત રહેતી. તે તેના પિતાની એક નાનકડો ઠપકો પણ સહન કરી શકી ન હતી.
પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પરિવારે પણ મોબાઈલ ફોનની આદતને આ દુ:ખદ ઘટનાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આ ઘટનાએ માત્ર પરિવારને જ ઊંડો આઘાત નથી આપ્યો. પરંતુ બાળકો પર મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાની વધતી જતી અસર પર પણ સવાલો ઉભા કર્યા છે.