ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરત-સાબરકાંઠા જિલ્લો સતર્ક: કલેક્ટરે આપ્યાં તમામ પુલોના ટેસ્ટિંગ અને સ્ટ્રક્ચરલ ચકાસણીનો આદેશ

સુરત: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યના અનેક પુલની હાલત સામે પ્રશ્ન ઉભા થયા હતા. મીડિયાના અહેવાલોમાં અનેક પુલની હાલત નબળી કે ખરાબ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લામાં આવેલા પુલ નિર્માણ વખતનો સમય તેમ જ હાલની વર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સંદર્ભે સાબરકાંઠાના જિલ્લા કલેકટરે પણ પુલની ક્ષમતા-ફિઝિબિલિટીનું નિરીક્ષણ કરવા આદેશ આપ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના કલેકટરોને તાજેતરમાં વડોદરા જિલ્લાના મુજપુર- ગંભીરા બ્રીજ જેવી ઘટના ન બને તે માટે સુચનાઓ આપવામાં આવી છે. આથી સુરત કલેકટરે તાકીદની બેઠક યોજીને સંબંધિત અધિકારીઓને સુચનાઓ જારી કરી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે એક દિવસીય ડ્રાય યોજી તમામ ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક ટેસ્ટિંગ, સ્ટ્રક્ચરલની ચકાસણી કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી, મેટ્રો, માર્ગ અને મકાન વિભાગ, રેલવે સુરત મહાનગરપાલિકા, SUDA, રાજ્ય તથા પંચાયત વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. સાથે પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદાર પણ તેમના વિસ્તારના બ્રિજોની ચકાસણી કરવા જણાવ્યું હતું.
આ સંદર્ભે સુરત જિલ્લામાં આવેલ તમામ પુલોનું તકનિકી રીતે વિશ્લેષણ થાય તેમજ અન્ય જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા સુચના આપી હતી. જરૂરિયાત જણાય તો તકેદારીના ભાગરૂપે આવા બ્રિજોને બંધ કરવા સુચના આપી હતી.
નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હસ્તકના દરેક પુલ માટે પુલની વર્તમાન સ્થિતિ, ચકાસણી કરી એક દિવસમાં સ્ટેટ્સ રિપોર્ટ સબમિટ કરાવ્યું હતું. આ તકે તમામ અધિકારીઓએ તેમના વિભાગ હેઠળના બ્રીજોની વર્તમાના સ્થિતિ અંગેની વિગતો રજૂ કરી હતી.
આપણ વાંચો: રાજકોટના પુલો જોખમમાં? કોંગ્રેસની તત્કાળ સમારકામ અને કેસરી હિન્દ પુલની મુદત પૂર્ણ થયાની રજૂઆત
સાબરકાંઠા જિલ્લા કલેકટરે પણ આપ્યો આદેશ
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આવેલ તમામ પુલની ક્ષમતા-ફિઝીબીલીટીનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ રસ્તાઓ ઉપર આવેલ તમામ બ્રિજ/પુલની ક્ષમતા/ફિઝિબિલિટી યોગ્ય છે કે કેમ? તેની ચકાસણી કરી રીપોર્ટ રજૂ કરવા કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (રાજય/પંચાયત), સાબરકાંઠાને આદેશ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને તેઓના અધિકાર ક્ષેત્રમાં આવેલ તમામ નાના/મોટા બ્રિજ/પુલની સક્ષમ ટેકનિકલ સ્ટાફ સાથે સ્થળની સંયુક્ત મુલાકાત કરી ભૌતિક ચકાસણી /નિરક્ષણ કરવા જણાવવામાં આવ્યું છે.
આ ચકાસણી દરમ્યાન જો કોઈ બ્રિજ/પુલ મરામત કરવા પાત્ર જણાય તો તાત્કાલીક સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવાની રહેશે તેમ જ જો કોઈ બ્રિજ વધુ જોખમી જણાય અને ભારે વાહનોનો પ્રતિબંધ કે સંપૂર્ણ વાહનવ્યહાર બંધ કરવો જરૂરી જણાય તો સક્ષમ કક્ષાએ દરખાસ્ત કરવા અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવાની રહેશે.