રીલ બનાવવાની ઘેલછા બની જીવલેણ: સુરતમાં ઓવરસ્પીડિંગ બાઇક અકસ્માતમાં 18 વર્ષના યુવકનું મૃત્યુ

સુરતઃ રીલ બનાવવાની આંધળી ઘેલછા ઘણી વખત જીવેલણ બનતી હોય છે. સમયાંતરે આવી ઘટના સામે આવતી રહે છે. સુરતમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ બન્યો હતો. શહેરમાં 18 વર્ષનો યુવક ઓવરસ્પીડિંગ બાઈકને કારણે જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારના લોકોને આઘાત લાગ્યો હતો.
કેવી રીતે બની ઘટના
મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય પ્રિન્સ પટેલ તરીકે થઈ હતી. તે મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર પીકેઆર બ્લોગરના નામથી જાણીતો હતો અને તે બાઈક રાઈડિંગના બ્લોગ્સ બનાવતો હતો. બ્રેડ લાઈનર સર્કલ પાસે બ્રીજ ઉતરતી વખતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું માથું અને ધડ અલગ થઈ ગયા હતા. અકસ્માત સમયે પ્રિન્સ પટેલે હેલ્મેટ પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હોત.
આ પણ વાંચો: મહીસાગરમાં હિટ એન્ડ રન: નશામાં ધૂત કારચાલક બાઇકને ટક્કર મારીને દૂર સુધી ઢસડી ગયો; જુઓ વીડિયો
પોલીસ તપાસમાં શું આવ્યું સામે
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું. જો તેણે સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આ જીવલેણ અકસ્માતથી બચી શક્યો હોત. અકસ્માત બાદ રોડ પર માંસના ટુકડા વિખરાયેલા જોવા મળ્યા હતા. ઓવર સ્પીડિંગના કારણે બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું અને નીચે પડી જવાથી કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે લોકોને રીલ બનાવવાની ઘેલછામાં જોખમી સ્ટંટથી દૂર અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
પરિવારનો આધાર બને એવી અપેક્ષા હતી પણ
અકસ્માતની જાણ થતાં યુવકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. વ્હાલસોયોનો આ રીતે મૃતદેહ જોતાં માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. તેણે જણાવ્યું કે, દીકરો મોટો થઈને પરિવારનો આધાર બનશે, એવી આશાઓ હતી, પરંતુ ઓવરસ્પીડિંગ અને રીલ બનાવવાની ઘેલછાના કારણે તેનું મોત થયું હતું. કરુણતા એ છે કે અકસ્માતના માત્ર બે દિવસ પહેલાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાઈકને લઇ એક રીલ બનાવી શેર કરી હતી.
આ પણ વાંચો: માંગરોળમાં હૃદયદ્રાવક ઘટના: બાઇક પર જતા દાદા-પૌત્ર પર જર્જરિત મકાનનો કાટમાળ પડતાં બંનેના કરુણ મોત.
અગાઉ પ્રિ વેડિંગ ફોટોશૂટ વખતે સર્જાઈ હતી દુર્ઘટના
થોડા દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ વેડિંગ ફોટોશૂટ વખતે એક દુર્ઘટના બની હતી. વેરાવળના આદરી બીચ નજીક પ્રિ વેડિંગ ફોટોશૂટ વખતે સાત લોકો દરિયાના મોજામાં તણાયા હતા. જેમાંથી છને બચાવી લેવાયા હતા, જ્યારે એક યુવતી લાપતા બની હતી. ઘટનાના પગલે બીચ પર રહેલા પ્રવાસીઓ તથા અન્ય લોકોએ બૂમાબમ કરી હતી અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. સ્થાનિક પોલીસ, ફાયરબ્રિગેડ તથા તરવૈયાનો કાફલો દોડી આવ્યો હતો અને દરિયાના પાણીમાં ઝંપલાવીને છ લોકોને બહાર કાઢ્યા હતા.



