સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીથી બેકાર યુવક ડ્રગ્સ વેચતાં ઝડપાયો

સુરતઃ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે સુરતમાં અનેક રત્નકલાકારો બેકાર બન્યા છે. જેમાં કેટલાક જીવન નિર્વાહ ચલાવવા અન્યત્ર વ્યવસાય તરફ વળ્યા છે. આ દરમિયાન સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીથી બેકાર યુવક ડ્રગ્સ વેચતાં ઝડપાયો હતો. શહેરના ચોકબજારના કુબેરનગર ખાતેના પ્રભુ નગરમાં ડીસીબીની ટીમે રેઈડ કરીને એક વ્યક્તિને 53.590 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ યુવકે પહેલા હીરા કામ કરતો હતો પરંતુ મંદીના કારણે બેકાર થઈ જતાં ડ્રગ્સ વેચવા લાગ્યો હતો. તે એક યુવક પાસેથી આ ડ્રગ્સ ખરીદીને છૂટકમાં વેચાણ કરતો હતો. રોજના 10 થી 12 હજારનું ડ્રગ્સ વેચતો હતો.
પત્ની પણ છોડીને ચાલી ગઈ હતી
પકડાયેલો યુવક અગાઉ હીરાની ઘંટી ચલાવતો હતો. મંદી આવતા હીરાનો ધંધો બંધ થઈ ગયો હતો. પત્ની પણ છોડીને ચાલી ગઈ હતી. બાદમાં તેણે સ્થાનિક યુવક પાસેથી થોડું થોડું એમ ડી ડ્રગ્સ લઈને છૂટકમાં વેચાણ કરવા લાગ્યો હતો. તે રોજનું 10 થી 12 હજારનું ડ્રગ્સ વેચતો હતો.
મુંબઈથી પણ લાવતો હતો ડ્રગ્સ
જો ક્યારેક સ્થાનિક વ્યક્તિ પાસેથી તેને ડ્રગ્સ ન મળે તો તે મુંબઈ જઈને પણ લઈ આવતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો, ડિજિટલ વજનકાંટો કબજે કરીને કોણ કોણ આ હેરાફેરીમાં સંડોવાયેલું છે, ક્યાં ક્યાં નેટવર્ક ફેલાયેલું છે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
સુરતમાં થોડા દિવસ પહેલા ઝડપાઈ હતી ડ્રગ્સ ફેક્ટરી
થોડા દિવસ પહેલા સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. પાટીદારોના ગઢ ગણાતા પુણા વિસ્તારમાં ધમધમતી ફેક્ટરીનું લંડન કનેકશન સામે આવ્યું હતું. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાટીદાર યુવકની કબૂલાત બાદ પોલીસે પુણા વિસ્તારમાં એક મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. સુરત એસઓજીએ લેબ પર દરોડો પાડીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં લંડનમાં બેઠેલા માસ્ટર માઈન્ડના ઈશારે ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 1 જાન્યુઆરી, 2026ના રોજ એસઓજી ટીમે અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય પાટીદાર યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 236.780 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપી યુવકે કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી મંગાવવામાં આવ્યું નથી, પરંતુ સુરત શહેરની અંદર જ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ગંભીર વિગતના આધારે SOG એ અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તપાસના તાર પર્વત પાટીયા-વેસુ કેનાલ રોડ પર આવેલા એક શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા. પોલીસે શોપિંગ સેન્ટરમાં આવેલી ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરી’ પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો…સુરતમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાવા મુદ્દે શું થયો મોટો ખુલાસો?



