સુરતના ખાડા બન્યા મુસીબત: 1 KM લાંબો જામ, એમ્બ્યુલન્સ પણ અટવાઈ…

સુરતઃ રાજ્યમાં પડેલા સારા વરસાદના કારણે અનેક શહેરોના રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે. ખાડાના કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે અને શારીરિક તકલીફોમાં પણ વધારો થયો છે. આ દરમિયાન સુરતમાં સહારા દરવાજા ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. ગરનાળામાં પડેલા ખાડા અને વરસાદી પાણીના કારણે એક કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી.
મળતી વિગત પ્રમાણે, સુરતમાં વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. જેના કારણે વિવિધ વિસ્તારોમાં લાંબો ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. આ ઉપરાંત જે જગ્યાએ મેટ્રોનું કામ ચાલે છે ત્યાં હાલત વધુ ખરાબ છે. ખાડા અને પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ટ્રાફિકજામના કારણે વાહનો રોંગ સાઈડમાં આવ્યા
આ ઉપરાંત ટ્રાફિકજામના કારણે સ્મીમેર હોસ્પિટલની સામે વાહન ચાલકો રોંગ સાઈડ આવી રહ્યા હતા. ટ્રાફિક જામ હોવાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડમાં મોટી સંખ્યામાં આવી ગયા હતા. જેના પગલે ગરનાળાની બંને સાઈડથી આવતી 108 એમ્બ્યુલન્સોને આ ટ્રાફિક જામમાં અટવાવાનો વારો આવ્યો હતો. જેના પગલે સ્મીમેર હોસ્પિટલની ઇમરજન્સી વિભાગ સામે પણ 108 એમ્બ્યુલન્સનો ખડકલો થઈ ગયો હતો.
ખાડા પુરવાનો મુખ્ય પ્રધાને આપ્યો હતો આદેશ
રાજ્યમાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોના રોડ-રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું. નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 14,000થી વધુ ખાડા પુરવામાં આવ્યા હતા અને હજુ પણ આ કામગીરી શરૂ છે.