હર્ષ સંઘવીના જ શહેરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પાટીદારોના ગઢમાં ધમધમતી ફેક્ટરીનું લંડન કનેક્શન…

સુરતઃ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. પાટીદારોના ગઢ ગણાતા પુણા વિસ્તારમાં ધમધમતી ફેક્ટરીનું લંડન કનેકશન સામે આવ્યું હતું. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાટીદાર યુવકની કબૂલાત બાદ પોલીસે પુણા વિસ્તારમાં એક મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. સુરત એસઓજીએ લેબ પર દરોડો પાડીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
આ રીતે ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ
પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં લંડનમાં બેઠેલા માસ્ટર માઈન્ડના ઈશારે ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 1 જાન્યુઆરી, 2026ના રોજ એસઓજી ટીમે અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય પાટીદાર યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 236.780 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સામાન્ય રીતે ડ્રગ્સ અન્ય રાજ્યોમાંથી આવતું હોય છે, પરંતુ યુવકની કડક પૂછપરછમાં જે વિગતો સામે આવી તેણે પોલીસને પણ ચોંકાવી દીધી હતી.
આરોપી યુવકે કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી મંગાવવામાં આવ્યું નથી, પરંતુ સુરત શહેરની અંદર જ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ગંભીર વિગતના આધારે SOG એ અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તપાસના તાર પર્વત પાટીયા-વેસુ કેનાલ રોડ પર આવેલા એક શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા.
પોલીસે શોપિંગ સેન્ટરમાં આવેલી ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરી’ પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ઉપરછલ્લી રીતે આ લેબ ફૂડ અને ફાર્મા પ્રોડક્ટ્સના ટેસ્ટિંગ માટે હોવાનું જણાતું હતું, પરંતુ અંદરનું દ્રશ્ય કંઈક અલગ જ હતું.
તપાસ દરમિયાન પોલીસને લેબમાંથી અત્યાધુનિક મશીનરી અને એવા કેમિકલ્સ મળી આવ્યા હતા જેનો ઉપયોગ ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવા માટે થતો હતો. SOGની તપાસમાં સાબિત થયું કે આ લેબ વાસ્તવમાં એક મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું. આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે ફૂડ ટેસ્ટિંગના બહાને ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા. હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ ડ્રગ્સ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આગામી દિવસોમાં આ મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.



