સુરત

સુરતમાં મિત્રોએ જ મિત્રને પતાવી દીધો: 3 વર્ષ જૂની હત્યાનો પર્દાફાશ, મૃતદેહ શોધવા પોલીસ પાતાળ એક કર્યું…

સુરત: ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે “પાપ છાપરે ચડીનેય પોકારે છે” અને આ કહેવતને સુરતના એક બનાવે સાર્થક કરી બતાવી છે. સુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં થયેલી એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મિત્રોએ જ મિત્રની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસ છેલ્લા પાંચ દિવસથી જેસીબી અને હિટાચી મશીનની મદદથી મૃતદેહની શોધખોળ કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 15 હજાર ચોરસ વર્ગ ફૂટ વિસ્તારમાં 10 ફૂટ ઊંડે સુધી ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી જમીનમાં દટાયેલા શબના કોઈ સુરાગ મળ્યો નથી.

મળતી વિગતો અનુસાર આ ઘટના અંદાજે ત્રણ વર્ષ પહેલાની છે, જ્યારે પુણા કેનાલ રોડ પર આવેલી એક ખુલ્લી જગ્યામાં ચાર સગીર મિત્ર નશાની હાલતમાં બેઠા હતા.

આપણ વાચો: હત્યાનો આરોપી 36 વર્ષે પકડાયો, ધર્મ બદલીને વિધવા સાથે લગ્ન કરીને નવા નામ સાથે રહેતો હતો

આ દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. આરોપ છે કે ત્રણ સગીરોએ ભેગા મળીને તેમના ચોથા મિત્ર પર ભારે પદાર્થ વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. પાપ છુપાવવા માટે આરોપીએ તે જ રાત્રે અંધારામાં ખાડો ખોદીને લાશને ત્યાં જ દાટી દીધી હતી અને ત્યાર બાદ ત્રણેય અલગ થઈ ગયા હતા.

વર્ષો સુધી આ રહસ્ય અકબંધ રહ્યું, પરંતુ તાજેતરમાં આરોપી વચ્ચે થયેલા આંતરિક ઝઘડાએ આ ગુનાનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓ પૈકીના એક સગીરે વિવાદ થતા મૃતકના ભાઈ પાસે જઈને સમગ્ર સત્ય ઓકી નાખ્યું હતું.

આપણ વાચો: પશ્ચિમ બંગાળમાં SIRના કારણે ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ: TMC અને BJPએ શરૂ કર્યું રાજકારણ

તેણે જણાવ્યું કે તેનો ભાઈ લાપતા નથી થયો, પણ તેની હત્યા કરીને પુણા વિસ્તારમાં દાટી દેવામાં આવ્યો છે. આ સાંભળી ચોંકી ઉઠેલા ભાઈએ તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના ત્રણ વર્ષ જૂની હોવાથી અને જમીન પર માટીની સ્થિતિ બદલાઈ ગઈ હોવાથી પોલીસને મૃતદેહ શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જરૂર જણાય તો ખોદકામનો વ્યાપ વધારવામાં આવશે અને ટેકનિકલ નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવશે.

સુરત પોલીસનું કહેવું છે કે સત્ય બહાર લાવવા માટે તમામ પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં જ આ હત્યાની ગૂંચ ઉકેલી લેવામાં આવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button