સુરતમાં તમામ ધર્મની પિતા વિહોણી 139 દીકરીઓનો યોજાશે લગ્નોત્સવ…

સુરતઃ શહેરમાં પી પી સવાણી ગ્રુપ દ્વારા 20-21 ડિસેમ્બર, 2025ના રોજ તમામ ધર્મ-જ્ઞાતિની પિતા વિહોણી 139 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ કોયલડી યોજાશે. જેમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત તમામ જ્ઞાતિની દીકરીઓના રંગેચંગે લગ્ન થશે. આ પ્રસંગે મુસ્લિમ ધર્મની દીકરીઓ નિકાહ વિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિની દીકરીઓ પોત-પોતાના રીત રિવાજ પ્રમાણે લગ્નજીવનના પવિત્ર બંધનથી બંધાશે.
ભવ્ય લગ્ન પ્રસંગ બાદ આ તમામ દીકરીઓના નવી જિંદગીની શરૂઆત આનંદ અને યાદોથી ભરપુર બને તે માટે સ્વપનરૂપી 12 દિવસના “મનાલી પ્રવાસ”નું આયોજન કરવામાં આવ્યું છે. હાલ દીકરીઓના લગ્ન બાદ છૂટાછેડાના બનાવ ખૂબ વધી રહ્યા છે અને માતા અને સાસુના વચ્ચે અણબનાવ વધુ જોવા મળે છે ત્યારે આ દીકરીઓને આ મુશ્કેલીના પડે તે માટે મહેશભાઈ સવાણી દ્વારા દીકરીઓના માતા અને સાસુના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે 6 દિવસની ચારધામ ચાત્રાનું આયોજન કરવામાં પણ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પી પી સવાણી ગ્રુપ આયોજિત ‘કોયલડી’ લગ્ન પ્રસંગ અંતર્ગત થોડા સમય પહેલા દીકરીઓને કરિયાવર વિતરણ કરવામાં આવ્યો હતો.



