સુરત પોલીસનું ‘ડ્રગ્સ વિરોધી’ મેગા ઓપરેશન: ₹૨૦ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૩ શખ્સો ઝડપાયા!

સુરત: શહેર પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં વધુ એક સફળતા મેળવી છે. પોલીસે ત્રણ શખ્સો પાસેથી આશરે ₹૨૦.૪૭ લાખની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસે કુલ ₹૨૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સુરતના લાલગેટ પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે આરોપીઓને ઝડપવા માટે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. બાતમીના આધારે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ ગુલામ હુસેન પેરીયા, ઇમરાન ઉર્ફે બોબા ફકરુદ્દીન ખાન અને સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી મોહમ્મદભાઇ પટેલ નામના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ ૨૦૪.૭૦૦ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જથ્થાની બજાર કિંમત પ્રતિ ગ્રામ ₹૧૦,૦૦૦/- લેખે ₹૨૦,૪૭,૦૦૦/- આંકવામાં આવી છે.
પોલીસે ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ૫૩,૫૦૦ની રોકડ રકમ, મોબાઇલ ફોન, બે ટુવ્હીલર તેમજ અન્ય સામગ્રી જપ્ત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ડ્રગ્સનો આ જથ્થો કોઈ જગ્યાએથી મેળવીને ચોરી-છૂપીથી વેચાણ કરતા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹૨૨,૧૦,૬૦૦/- થાય છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને આ ડ્રગ્સનો સોર્સ ક્યાં છે અને તેના ખરીદનારાઓ કોણ છે તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.



