સુરત પોલીસ એક્શનમાં: 110 ગુનેગારોને બોલાવી સુધરી જવાની ચેતવણી આપી | મુંબઈ સમાચાર

સુરત પોલીસ એક્શનમાં: 110 ગુનેગારોને બોલાવી સુધરી જવાની ચેતવણી આપી

સુરતઃ શહેરમાં આવનારા તહેવારો દરમિયાન ગુનાખોરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ હતી. શહેરના ઝોન-1 વિસ્તારના પુણા, વરાછા, કાપોદ્રા, સરથાણા, સારોલી અને લસકાણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા 110 ગુનેગારને પોલીસે બોલાવ્યા હતા અને સુધરી જવાની ચેતવણી આપવામાં આવી હતી.

પોલીસે આ ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, “હવે સુધરી જાઓ. જો ફરી કોઈ ગુનો કરશો તો કડક સજા ભોગવવી પડશે. કાયદાનું પાલન કરશો તો ફાયદામાં રહેશો.”

આપણ વાંચો: યુવતીને બદનામ કરવાની ધમકી આપી 93 હજાર અને દાગીના પડાવ્યાં, સુરત પોલીસે યુવકની ધરપકડ કરી…

આ 110 ગુનેગારો અગાઉ મારામારી, ચોરી, લૂંટફાટ જેવા ગુનાઓમાં સામેલ હતા અને હાલ જામીન પર છૂટેલા છે. ડીસીપી આલોક કુમારના જણાવ્યા મુજબ, આ તમામ ગુનેગારો પર પોલીસ સતત નજર રાખી રહી છે.
જો ભવિષ્યમાં તેઓ ફરી કોઈ ગુનામાં પકડાશે, તો તેમની સામે તડીપાર અથવા પાસા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહી અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા માટે અગાઉ પણ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

તહેવારના સમયમાં કાયદા અને કાનૂની સ્થિતિ જળવાઈ રહે તે માટે તેમને કડક સૂચના આપવામાં આવી હતી. આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને ચેતવણી આપવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button