સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં જુગારધામ પર પોલીસ ત્રાટકીઃ 7 જુગારી ઝડપાયા

સુરત: શહેરમાં ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ઉમરા પોલીસે એક અનોખી પહેલ કરી હતી. મગદલ્લા ગામના ઓવારા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં દરોડો પાડીને 7 જુગારીને ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમ પીસીઆર વાનમાં જવાને બદલે ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને ઘટનાસ્થળે પહોંચીને જુગારીઓને રંગે હાથે ઝડપી લીધા હતા.
મજૂરોનો વેશ ધારણ કર્યો પોલીસે
મળતી વિગતો અનુસાર ઉમરા પોલીસને બાતમી મળી હતી કે મગદલ્લા ગામના ઓવારા પાસે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. સામાન્ય રીતે આવા દરોડા માટે પોલીસ વાહનનો ઉપયોગ થાય છે, જેનાથી આરોપીઓને એલર્ટ થવાનો મોકો મળી શકે છે, પરંતુ આ વખતે પોલીસે પોતાની યુક્તિ બદલી હતી.
આપણ વાંચો: વાર-તહેવારઃ …ત્યારથી અત્યાર સુધી જુગાર
પીસીઆર વાનમાં જવાને બદલે પોલીસની ટીમ એક ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે જુગારીઓ બિન્દાસ જુગાર રમી રહ્યા હતા. આ તકનો લાભ લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 7 જુગારીઓને ઝડપી લીધા.
ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ
પોલીસ દ્વારા પકડાયેલા જુગારીઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે.
આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. 52,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં તેમની અંગજડતીમાંથી મળેલા રૂ. 40,600 અને જુગારના દાવમાંથી મળેલા રૂ. 12,000નો સમાવેશ થાય છે. પોલીસની આ અનોખી અને સફળ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.