
સુરતઃ ગુજરાતમાં દારૂ બંધી કહેવા પૂરતી જ હોય તેમ સમયાતંરે દારૂ પાર્ટી પકડાતી રહે છે. ગીર બાદ સુરત શહેરમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં કુલ 13 લોકો ઝડપાયા હતા.
રાંદેર વિસ્તારમાંથી દારૂ પાર્ટી ઝડપાઈ હતી. દારૂનો નશો એટલો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો માંડ માંડ ચાલી શકતી હતી. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, બિયર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી વિગત અનુસાર, રાંદેરની નવયુગ કોલેજ નજીક આવેલી આશીર્વાદ કો-ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર 17માં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો.
ફોન કરનારે જણાવ્યું હતું કે, બંગલાના બીજા માળે પુરુષો અને મહિલાઓ ભેગા મળીને દારૂ પી રહ્યા છે અને મોટેથી સંગીત વગાડી રહ્યા છે. આ માહિતી મળતા જ રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બંગલા પર દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડો પાડ્યો ત્યારે પાંચ મહિલાઓ સહિત કુલ 13 લોકો એક ચાદર પર ગોઠવાઈને દારૂ પી રહ્યા હતા. પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નશામાં ધૂત હોવાથી તેઓ તોતડી ભાષામાં બોલી રહ્યા હતા અને માંડ ચાલી શકતા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ તમામ લોકો મિત્રો છે અને ઘણા સમય બાદ મળ્યા હોવાથી તેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી માટે દારૂ અને બિયર રુચિર રાવલ નામનો એક આરોપી ચંદીગઢથી લાવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 6 બિયરની બોટલ, 4 દારૂની બોટલ અને 12 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત ₹1.21 લાખ થાય છે. તમામ 13 આરોપીઓનો સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે અને રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સુરતમાં દારૂબંધીના અમલ સામે સવાલો ઊભા કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા ગીર પંથકમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડી ચાર યુવતીઓ સહિત 11 લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને રાજસ્થાનના છે. પોલીસે ઘટનાસ્થળેથી 10.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…ગીરના ફાર્મ હાઉસમાં ચાર યુવતી સહિત 11 લોકો દારૂપાર્ટી કરતાં ઝડપાયાઃ 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત