સુરતમાં કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો
પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિકસિંહની સંડોવણી ખુલી

સુરત: રાજકોટનાં કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાને જાહેરમાં ફેરવીને સુરતમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આરોપીએ સુરતના કાપડના વેપારી પાસેથી ૨૯ લાખની લુંટ ચલાવી હતી અને આ દરમિયાન તેણે વેપારીના ગળે ચપ્પુ મૂકીને ધમકી પણ આપી હતી. આરોપીએ વેપારી પાસેથી લૂંટનો મુદ્દામાલ ક્રિપ્ટોકરન્સી દુબઈમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે બાદમાં સુરત પોલીસે આરોપીને હાથ કરીને જાહેરમાં વરઘોડા કાઢ્યો હતો.
આરોપી હાર્દિકસિંહ જાડેજા લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને આ પૂર્વે પણ અનેક ગુનાઓમાં તેની સંડોવણી સામે આવી હતી. તાજેતરમાં જ રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે હાર્દિકસિંહ જાડેજાને કેરળથી ઝડપી પાડ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતો અને સ્વામી હોટેલ સામેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ અંગેની વાતની પુષ્ટી એસેમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે પણ કરી હતી.
આ પણ વાંચો: રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહની કેરળથી ધરપકડ, અમદાવાદ લાવવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે આરોપી અત્યાર સુધી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો અને 10થી વધુ રાજ્યોમાં ફરી રહ્યો હતો. જોકે, ગોળીબાર કેસમાં સઘન તપાસમાં તે કેરળમાં હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં એસએમસીની ટીમે કેરળથી તેની ધરપકડ કરી હતી. આરોપી હાર્દિકસિંહ જાડેજાને હાથકડીના બદલે દોરડા વડે બાંધીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિકસિંહની સંડોવણી ખુલી હતી.
ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાનું કબૂલાત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. તેને પકડવા બીજા રાજ્યોમાં પણ પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી પરંતુ સફળતા મળી ન હતી.