સુરત

31મી ડિસેમ્બર પહેલા સુરત પોલીસ થઈ એક્ટિવ, માત્ર 60 સેકન્ડમાં જાણશે ડ્રગ્સ લીધું કે નહીં

સુરતઃ ગુજરાતમાં નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેની સાથે આગામી સમયમાં 31મી ડિસેમ્બરે ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા દારૂના જથ્થાને પકડી પાડવા પોલીસ પણ રાજ્યમાં એલર્ટ મોડમાં આવી ગઈ છે. બીજી તરફ ડ્રગ્સનું સેવન કરીને ફરતાં લોકોને પકડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે.

સુરત પોલીસે ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ કસવા માટે અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ઊતરી ચેકિંગ શરૂ કરી દીધું છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં, તે જણાવી શકે છે. સુરત શહેરમાં પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ, ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. આવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે. નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સના કેસો માટે એન્ટિ નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે. વિવિધ સંસ્થાઓ સાથે મળી, ડ્રગ્સના બંધાણીઓને વ્યસનથી છૂટકારો અપાવવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

Also read:સુરત પોલીસમાં બદલીનો દોર; 12 પીઆઈની આંતરિક બદલી…

આ અદ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે. શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કિટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 60 સેકન્ડમાં ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે અંગેની જાણ થાય છે. ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે. સુરત એસઓજીના મશીનથી પ્રથમ જ પગલામાં સફળ પરિણામો મળ્યાં છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button