તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યાં, સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરીથી ચકચાર…

સુરતઃ શહેરમાં હાલ ગણેશોત્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન મહિધરપુરા વિસ્તારમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલને નિશાન બનાવીને ચોરી કરવામાં આવતાં ભક્તોમાં રોષ ફેલાયો હતો.
દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યાં હતા અને ચાંદીની મૂર્તિ, દીવા તથા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા હતા.
મળતી વિગત પ્રમાણે, મહીધરપુરા વિસ્તારના દારૂખાના રોડ પર તસ્કરોએ આઠ ગણેશ પંડાલને નિશાન બનાવ્યા હતા. અહીંથી પૂજાનો સામાન, રોકડ, ચાંદીની મૂર્તિ ઉઠાવી ગયા હતા. એક ગણેશ પંડાલમાં ગણપતિની નાની મૂર્તિને ખંડિત પણ કરવામાં આવી હતી. જેથી સ્થાનિકોએ સવારના સમયે ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની સ્થાપના કરી હતી.
પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને એનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. પોલીસે જણાવ્યું હતું કે અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે.
આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી. જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા હતા. ત્યાર બાદ બે લોકોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસે સીસીટીવીના આધારે મહિધરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં થયેલી ચોરીના કિસ્સામાં પોલીસે બે આરોપીઓ આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીની ધરપકડ કરી હતી. પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો…સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ-વીએચપીના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરશે…