સુરત પોલીસે માલધારીનો વેશ ધારણ કરી 15 લાખના દાગીના ચોરનાર ગઠિયાને પકડ્યા

સુરત: થોડા દિવસ પહેલા જ સુરતમાં થયેલી ચોરીની તપાસમાં પોલીસ છેક રાજસ્થાન પહોંચી હતી અને ચોરીને ભેદ ઉકેલ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં ગત 17 જૂન, 2025ના રોજ એક આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને બસમાંથી અંદાજે ₹ 15 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા વરાછા પોલીસે એક અલગ જ યોજના ઘડી હતી અને જેમાં પોલીસે રાજસ્થાનના ગામડાંમાં માલધારીનો વેશ ધારણ કરીને પહોંચીને ચોરોને ઝડપી પાડ્યા હતા.
ક્યારે બની હતી ચોરીની ઘટના?
મળતી વિગતો અનુસાર ગત 17 જૂન, 2025ના રોજ એક આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને બસમાંથી અંદાજે ₹ 15 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જેની પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સઘન તપાસ આદરી હતી. ફરિયાદની વિગતો, સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે પોલીસને જાણવા મળ્યું કે ચોરી કરનાર આરોપીઓ રાજસ્થાનના રહેવાસી હતા અને ગુનો આચર્યા બાદ તરત જ રાજસ્થાન ભાગી ગયા હતા.
આ પણ વાંચો: લો હવે ગુજરાતમાં નકલી મેડીકલ ડિગ્રી વેચવાનું કૌભાંડ પકડાયું, સુરત પોલીસે 14 લોકોની ધરપકડ કરી
પોલીસ ધારણ કર્યો માલધારીનો વેશ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વરાછા પોલીસની એક ખાસ ટીમે તાત્કાલિક ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને સ્થાનિક માહિતીના આધારે રાજસ્થાનમાં શોધખોળ શરૂ કરી. ટીમે રાજસ્થાનના ગામડાંના વાતાવરણમાં સાવધાનીપૂર્વક ભળવા માટે એક અનોખી યુક્તિ અપનાવી હતી. પોલીસ ટીમના સભ્યોએ માલધારીનો દેશી વેશ ધારણ કરીને ગામમાં દૂધવાળા બનીને ફરવાનું શરૂ કર્યું. તેઓ દૂધ વેચતા અને ગાયો ચરાવતા જોવા મળ્યા હતા.
17 દિવસ સુધી ટીમ રાજસ્થાનમાં રોકાઈ
શરૂઆતમાં તો ગામલોકો દ્વારા આ પોલીસની ટીમને આશ્ચર્ય અને શંકાની નજરે જોવામાં આઆવતી હતી. આ ‘દૂધ વેચનારી’ ટીમે ધીમે ધીમે સ્થાનિકો સાથે પશુપાલન અંગે ચર્ચા કરીને અને મૈત્રી કેળવીને સ્થાનિક માહોલમાં ભળી જવાની શરૂઆત કરી અને 17 દિવસ સુધી આ ટીમ રાજસ્થાનમાં રોકાઈ હતી, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના જોધપુર અને જાલોર જિલ્લાઓમાં દિવસ-રાત તહેનાત રહી હતી.