સુરત પોલીસે ધ્વજવંદન દરમિયાન ટ્રાફિક સુધારણા અને સાયબર ક્રાઇમ પર ભાર મુક્યો

સુરતઃ શહેર સહિત રાજ્યભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજ ફરકાવ્યો અને બધાને સંબોધન કર્યું હતું.
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે સુરત પોલીસ ગુનાઓ ઉકેલવામાં ખૂબ આગળ છે. રાષ્ટ્રપતિ તરફથી સન્માન મેળવનાર ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓમાંથી 6 પોલીસકર્મીઓ સુરતના છે, જે એક ગર્વની વાત છે.
આપણ વાંચો: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશને સંબોધ્યો, પીએમ મોદીએ શું કહ્યું?
ગયા વર્ષે ટ્રાફિક નિયમો કડક બનાવ્યા બાદ સુરતની જનતાના સહકારથી હેલ્મેટ ન પહેરવાના કારણે થતા માથાના ગંભીર અકસ્માતોમાં 30 ટકાનો ઘટાડો થયો છે અને જીવલેણ અકસ્માતો પણ ઓછા થયા છે.
અનુપમસિંહ ગેહલોતે સાઇબર ક્રાઇમને મોટી સમસ્યા ગણાવી અને સુરત પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું સુરત પોલીસે પહેલીવાર વિદેશથી ચાલતી સાઇબર ફ્રોડ કરતી ટોળકી સામે ‘ગુજસીટોક’ કાયદા હેઠળ કેસ કર્યો હતો.
સુરત પોલીસે સાઇબર ફ્રોડનો શિકાર બનેલા લોકોને કોર્ટ દ્વારા 22 કરોડ રૂપિયા પાછા અપાવવામાં મદદ કરી હતી. અંતમાં, તેમણે લોકોને સાઇબર ફ્રોડથી બચવા માટે સાવચેત રહેવાની સલાહ આપી અને જો કોઈ ફ્રોડ થાય તો તરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.